મોદી સરકારે વધુ એક કાનુની સુધારો મંજૂર કરાવ્યો
દેશની અદાલતોમાંથી વચેટીયાઓને હાંકી કઢાશે
નવી દિલ્હી, દેશમાં અંગ્રેજોના સમયના કાનુનોમાં સુધારા માટે મોદી સરકારે ચાલુ કરેલી ઝુંબેશમાં હવે દેશની અદાલતોમાંથી ટાઉટ તે હાંકી કાઢવા માટેનો ખાસ ખરડો લોકસભામાં મંજૂર કર્યાે હતો. રાજ્યસભા અગાઉ જ ચોમાસું સત્રમાં તેને મંજૂરી આપી ચૂકી છે. કેન્દ્રીય કાનુનમંત્રી શ્રી અર્જુન મેઘવાલે આ ખરડા પર જણાવ્યું કે નવા એડવોકેટ એકટસ (સુધારા) ર૦ર૩માં દેશની દરેક હાઈકોર્ટ તથા જિલ્લા અદાલતે આ પ્રકારના ટાઉટસ-દલાલોની યાદી તૈયાર કરીને તે પ્રસિદ્ધ કરશે.
અદાલતોમાં આવતા લોકોને કોઈપણ કામ પતાવી આપવાની લાલચ આપીને નાણા મેળવતા આ પ્રકારના દલાલોની બોલબાલા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના દલાલોની દેશની અદાલતોમાં કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં.
મોદી સરકાર અત્યાર સુધીમાં આ પ્રકારના ૧૪૮૬ કાનૂનો સુધારો ચૂકી છે અથવા તે રદ કર્યાે છે. આ ચર્ચા દરમ્યાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ન્યાયમૂર્તિ ઓની બદલી અંગે પણ એક નીતિ હોવી જોઈએ અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ન્યાયતંત્ર સાથ ચર્ચા કરીને તેમાં નિર્ણય લેવાશે. અમો તેના પર કામ કરી રહ્યા છે. આ ચર્ચા દરમ્યાન કોંગ્રેસના સાંસદ કિર્તી ચિદમ્બરમે જણાવ્યું કે આપણા કાનુનો એટલા ગુંચવણભર્યા છે કે તેમાં દલાલો ફાવી જાય છે.
જો કે ડીએમકેએ આ ખરડાનો વિરોધ કરતા આ પ્રકારના કાનૂન એ રાજ્ય સરકારની સતા હોવાનું જણાવ્યું હતું તથા કેન્દ્ર સરકાર રાજ્યોની સતા પર અતિક્રમણ કરતી હોવાનો આક્ષેપ કર્યાે હતો. જો કે બીજું જનતાદળએ આ પ્રકારે દલાલોને કોર્ટમાંથી હાંકી કાઢવાના ખરડાને સમર્થન આપ્યું હતું.