સુરતમાં જૈન સમાજના ૧૨ વર્ષના કિશોરની દીક્ષા અટકાવવા કોર્ટનો આદેશ

૧૨ વર્ષીય દીકરાનાં માતા-પિતા બંને અલગ રહે છે
ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા સુરત કોર્ટમાં અરજી કરી હતી
સુરત,સુરતમાં ૧૨ વર્ષના કિશોરને દીક્ષા આપવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ પ્રકારના પહેલા કેસમાં ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આજે સુનાવણી દરમિયાન બાળકના માતા-પિતા બંને કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ૧૨ વર્ષીય દીકરાનાં માતા-પિતા બંને અલગ રહે છે અને છૂટાછેડા માટે કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે. પુત્ર તેની માતા સાથે સુરતમાં રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે. બંને પક્ષોની સુનાવણીના અંતે કોર્ટે આ દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. સુરતમાં ૧૨ વર્ષનો કિશોર બુધવારે દીક્ષા લે એ પહેલાં જ દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ અરજી બાળકના પિતા દ્વારા જ કરવામાં આવી હતી. બાળકનાં માતા-પિતાના વર્ષ ૨૦૦૮માં લગ્ન થયાં હતાં, પરંતુ હાલ બંને અલગ રહે છે. જે કિશોર દીક્ષા લેવાનો છે તે તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે. ૧૨ વર્ષીય કિશોર દીક્ષા લઈ રહ્યો હોવાના ડિજિટલ આમંત્રણ વાયરલ થયાં હતાં. ત્યારબાદ ઈન્દોરમાં રહેતા તેના પિતાએ સુરતમાં વકીલ નરેશ ગોહિલ મારફત સુરત કોર્ટમાં તેના પુત્રની દીક્ષા રોકવા માગ કરતી અરજી કરી છે, જેની સુનાવણી મંગળવારે સુરત કોર્ટમાં ચાલી હતી. સુનાવણીના અંતે કોટે આવતીકાલથી બે દિવસ માટે યોજાનારા બાળકની દીક્ષાના કાર્યક્રમ ઉપર રોક લગાવતો હુકમ કર્યાે હતો.પુત્રને દીક્ષા અટકાવવા માટે કોર્ટમાં પહોંચેલા પિતાએ કોર્ટમાં વકીલ નરેશ ગોહિલ મારફતે દલીલ કરી હતી કે, મારી અને મારી પત્ની વચ્ચે કોર્ટમાં ખોરાકી અરજી તથા પૂત્રની કસ્ટડી માટેની અરજી વિચારાધીન છે.
અમારા છૂટાછેડા થયા નથી. પૂત્રનો કબજો પિતાએ માતાને સુપરત કર્યાે નથી. માતા પાસે માત્ર હંગામી કસ્ટડી છે, પરંતુ માતાએ પિતાનો વંશ ખત્મ કરી નાખવા પૂત્રને દીક્ષા અપાવી સાધુ બનાવવા માટેનુ કૃત્ય આદર્યુ છે. સમાજમા ખોટા દાખલા બેસે તેવુ આ કૃત્ય છે. જો આ પુત્રને દીક્ષા આપી દેવામા આવશે તો જૈન સમાજમા પણ આ પ્રકારના કિસ્સાનું ભારણ દિન પ્રતિદિન વધતુ જોવા મળશે. સમાજમાં દાખલો બેસે અને ખોટું કૃત્ય આદરનારને કાયદાકીય લગામ નાખવી કોર્ટે આવશ્યક છે. બાળક હજુ માંડમાં ૧૨ વર્ષનો થયો છે. કાયદાકીય રીતે પણ પુખ્ત નથી. દુનિયાની હકીકતોથી બિલકુલ અજ્ઞાત છે. દત્તક વિધાનથી બાળકની કસ્ટડી તબદીલ કરવી હોય તો પણ માતા અને પિતાની સંપતિ ફરજિયાત છે. હિન્દુ માઇનોરીટી એન્ડ ગાર્ડિયન વોર્ડ એક્ટ મુજબ પિતા સુપિરિયર ઓથોરિટી કહેવાય. SS1