રામોલમાં સાવકા પિતાની હત્યા કરનાર પુત્રના જામીન કોર્ટે ફગાવ્યા

અમદાવાદ, શહેરના રામોલ વિસ્તારમાં સાવકા પિતાની ચાકુ મારી હત્યા કરનાર આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ થઇ ગઇ છે અને તેમાં આરોપી સામે પૂરતા પુરાવા છે, આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે ત્યારે જામીન આપવા ન્યાયોચિત ગણાતુ નથી. રામોલમાં પિતાની હત્યા કરનાર અલ્પેશ કિશોરભાઇ વાઘેલાએ જામીન માટે અરજી કરી હતી.
જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દાેષ છું, મેં હત્યા કરી નથી, ઝઘડામાં ફક્ત ઝપાઝપી થઇ હતી, સાવકા પિતા નશો કરી માતાને હેરાન પરેશાન કરતા હતા તેના કારણે ઝઘડો થયો હતો, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.
જો કે, જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદમાં પહેલાંથી જ આરોપીનું નામ છે, આરોપીનો ખૂન કરવાનો ઇરાદો સ્પષ્ટ હતો, આરોપી સામે ૩ એપ્રિલના રોજ ચાર્જશીટ કરવામાં આવી છે અને કેસ કમિટ પણ થઇ ગયો છે, આરોપી સામે સાક્ષીઓની જુબાની છે અને તેનો સક્રિય રોલ છે, આવા ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો તે પલાયન થઇ જાય તેવી શક્યતા છે. ત્યારે જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.SS1MS