AMC ફૂડ વિભાગનો સપાટો 22 વેપારી સામે કોર્ટે કાર્યવાહી કરી
૧૨ દિવસમાં ૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોવાથી બે રોકટોક વેચાણ થઈ રહેલા બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા એપ્રિલ મહિનાના પ્રથમ પખવાડિયામાં ૮૦૦ કરતાં વધુ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેની ચકાસણી કરતા ૨૨ નમૂના અપ્રમાણિત સાબિત થયા છે જે અંતર્ગત તંત્ર દ્વારા ૫૬૦ કરતાં વધુ એકમોને નોટિસ આપવામાંઆવી છે જ્યારે ૨૦૨૪ ના વર્ષ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ સાબિત થયેલ ખાદ્ય પદાર્થોના વેચાણ બદલ ૨૨ એકમો સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના આરોગ્ય અધિકારી ભાવિનભાઈ જોશીના જણાવ્યા મુજબ એક એપ્રિલ થી ૧૨ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન કુલ ૮૬૬ શંકાસ્પદ નમૂના ચકાસણી માટે લેવામાં આવ્યા હતા જેમાં ૬૪૨ નમૂના પ્રમાણિત સાબિત થયા છે. જ્યારે ૨૨ નમૂના અપ્રમાણિત એટલે કે ખાવા યોગ્ય ન હોવાનું સાબિત થયું છે જેમાં મીઠાઈ, દૂધ અને દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટ વગેરેનો સમાવેશ થાય છે.
હજી ૧૯૭ સેમ્પલના પરિણામ બાકી છે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન કુલ ૪૩૫૯ ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન ૫૬૯ એકમોને નોટિસ આપવામાં આવી છે.
જ્યારે અંદાજે ૫૪૧૦ ાખ્ત બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વેપારીઓ પાસેથી રૂ.૧૫,૫૮,૨૦૦ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવેલા છે તેમ જ આઠ એકમો સીલ પણ કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા ૨૦૨૪ ના વર્ષ દરમિયાન બિન આરોગ્યપ્રદ આહારના વિતરણ બદલ ૨૨ વેપારીઓ સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં યુનિવર્સલ ફૂડ બોડકદેવ, પુષ્પ રેસ્ટોરન્ટ વસ્ત્રાલ, પટેલ ડેરી નવા નરોડા, આશાપુરા ભોજનાલય ભાયપુરા, હરિઓમ સેલ્સ એજન્સી સરસપુર, નાગેશ્વર ફ્લોર ફેક્ટરી ખોખરા, જલારામ ફૂડ રાણીપ, કર્ણાવતી દાબેલી ભાઈપુરા, વિલિયમ જોન્સ પિઝા જવાહર ચોક ,
અજય સેલ્સ રખિયાલ, લખનઉ ચવાણા વટવા વગેરેનો સમાવેશ થાય છે આ એકમો દ્વારા મલાઈ પનીર, ભેસનું દૂધ, મીઠો માવો, પનીર, ફ્રાયમ્સ, બટર મિલ્ક વગેરેનું વેચાણ કરવામાં આવ્યું હતું તેના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે.