Western Times News

Gujarati News

આપઘાત માટે ઉશ્કેરણીના કેસોમાં અદાલતો કાયદાના સાચા સિદ્ધાંતો સમજી શકતી નથીઃ સુપ્રીમ

નવી દિલ્હી, આપઘાત માટે ઉશ્કેરણી કરવાના કેસમાં ત્રણ આરોપીઓ સામે લખનૌની કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહીને રદ કરવાનો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે આત્મહત્યા માટે ઉશ્કેરવા સંબંધિત કેસોમાં કાયદાના સાચા સિદ્ધાંતોને સમજવામાં અને તેનો અમલ કરવામાં અદાલતોની અસમર્થતાને કારણે બિનજરૂરી કોર્ટ કાર્યવાહી થતી હોય છે.

જસ્ટિસ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે તે પોલીસમાં એફઆઈઆર નોંધાવનાર મૃત વ્યક્તિના પરિવારના સભ્યોની લાગણીઓ અને સંવેદનાઓ પ્રત્યે બેધ્યાન નથી, પરંતુ આખરે પોલીસ અને અદાલતોએ આ બાબતની તપાસ કરવી જોઈએ અને નિર્ણય કરવો જોઇએ કે આવા આરોપોનો સામનો કરી રહેલા વ્યક્તિઓને બિનજરૂરી રીતે હેરાન કરવામાં ન આવે.

સર્વાેચ્ચ અદાલતે ૩ ઓક્ટોબરે આપેલા તેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ (આપઘાત માટે ઉશ્કેરવું) હેઠળ ગુના બને છે કે નહીં તેની મુખ્ય શરતો એ છે કે આરોપીએ મૃતકને આપઘાત માટે સીધી અને ભયજનક રીતે ઉશ્કરણી કરી છે અને આપઘાત સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી ન રહ્યો હોય.

આ પ્રકારના કેસોમાં અદાલતે એ માપદંડ અપનાવવો જોઇએ કે રેકોર્ડ પરની સામગ્રીના આધારે પ્રથમ દૃષ્ટિએ તારણ નીકળે છે કે આરોપીએ કરેલા કૃત્યનો ઇરાદો આપઘાત કરાવાનો હોય. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર હાલના ટ્રેન્ડ દર્શાવે છે કે અદાલતો સંપૂર્ણ સુનાવણી પછી જ આવા ગુના પાછળના કથિત ઇરાદાને સમજે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.