Covid19: બેદરકારીથી અલગ-અલગ જગ્યાએ કોરોનાના કેસો વધવાનું શરુ
અમદાવાદ: દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી માટે શહેરના વિવિધ બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. એવામાં કોરોનાના નિયમોનું પાલન પણ ન થતું હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. તેમજ ભીડભાડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી.
લોકોની આવી ગંભીર બેદરકારીને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પણ કોરોનાના નવા કેસો વધવાનું શરૂ થઈ ગયું છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સરકારે જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથને સ્વચ્છ રાખવા માટે સૂચનાઓ આપેલી છે. છતાંય લોકો દ્વારા માસ્ક નહી પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરવું, હેન્ડ સેનેટાઈઝ નહીં કરવા જેવી બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેના પરિણામસ્વરૂપે બીજા લોકોને પણ ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે.
સૂત્રો મુજબ હાલમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, તેમાં શરદી-ખાંસી, અવાજ ભારે થઈ જવો જેવા લક્ષણો ઉપરાંત સુગંધ અને સ્વાદ નહીં અનુભવાતો હોવાની ફરિયાદ પોઝિટિવ દર્દી દ્વારા કરવામાં આવી રહી છે. એએમસી તંત્રએ ભરચક બજારોને બાજુએ મુકીને શહેરના અન્ય વિસ્તારોમાં ભરાતા બજારો તથા શાકમાર્કેટ વગેરે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મિઠાઈ, ફરસાણ, કાપડના વેપારીઓ અને ફેરિયાઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ૧૨૦૦ જેટલા વેપારીઓ તથા ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, જેમાંથી કેટલા પોઝિટિવ નીકળ્યા છે તે જાણી શકાયું નથી.