દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૨૪ નવા કેસ નોંધાયા
નિયંત્રણ માટે ૧૦ અને ૧૧ એપ્રિલના રોજ દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે
નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોના રોગચાળો માથું ઉંચકતો જણાય છે. થોડી રાહત પછી, ભારતમાં ફરીથી કોવિડ ૧૯નો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮૨૪ નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને ૧૮,૩૮૯ થઈ ગયા છે.
કોરોનાના આ નવા કેસોને જાેતા કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગો ફરી સતર્ક થઈ ગયા છે અને તેના નિયંત્રણ માટે ૧૦ અને ૧૧ એપ્રિલના રોજ દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૩૮૨૪ નવા કેસ નોંધાયા છે, જે પછી સક્રિય કેસોની સંખ્યા વધીને ૧૮,૩૮૯ થઈ ગઈ છે. આ તાજા સક્રિય કેસ કુલ કેસના ૦.૦૪ ટકા છે.
દેશમાં કોરોના વાયરસને લઈને રિકવરી રેટ ૯૮.૭૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧,૭૮૪ દર્દીઓ સાજા થયા છે, જેનાથી કુલ રિકવરી ૪,૪૧,૭૩,૩૩૫ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૪ નવા મોત નોંધાયા છે.
આ મૃત્યુ કેરળ, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં થયા છે. હાલમાં, દેશમાં વર્તમાન દૈનિક હકારાત્મકતા દર ૨.૮૭ ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર ૨.૨૪ ટકા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૭૨ કેસ નોંધાયા હતા. જ્યારે ૩૮૮ દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.