Western Times News

Gujarati News

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી

File

અમદાવાદ, હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જા.

આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી.

જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી.

માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી ૧૦ જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી.

માહિતી મુજબ હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે જ્યારે કેટલીક ટ્રેનના રુટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.