સ્ટીલ અને સિમેન્ટના ભાવવધારાને નિયંત્રણમાં લેવા ક્રેડાઈએ પ્રધાનમંત્રીને અપીલ કરી
કાચા માલની કિંમતમાં સતત વધારો પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થશે અને છેવટે એની અસર ગ્રાહકો પર થશે
ક્રેડાઈએ પ્રધાનમંત્રી અને સંબંધિત તમામ મંત્રાલયોને પત્ર લખીને તેમને સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકોના કાર્ટેલાઇઝેશનને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. ક્રેડાઈએ સરકારને રોગચાળા વચ્ચે નિર્માણકાર્ય સાથે સંબંધિત કાચા માલની કિંમતના નિયમનમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે પણ વિનંતી કરી છે, કારણ કે ભારતીય રિયલ એસ્ટેટ કોવિડ-19 રોગચાળાને કારણે સૌથી વધુ માઠી અસર અનુભવતા ક્ષેત્રોમાં સામેલ છે.
સ્ટીલ, સિમેન્ટ અને અન્ય કાચા માલની કિંમતમાં કાર્ટેલાઇઝેશનને કારણે સતત અને એકાએક વધારો થવાથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ નિર્માણ ખર્ચમાં વધારો અનુભવી રહ્યાં છે અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે, જેના પરિણામે ડિલિવરીમાં વિલંબ થશે, કેટલાંક કિસ્સાઓમાં પ્રોજેક્ટ્સ સ્થગિત થઈ ગયા છે. આ સ્થિતિને પગલે ઘર ખરીદવા ઇચ્છતાં ગ્રાહકોને અસર થઈ રહી છે. બિલ્ડર્સ આ વધારાના ભારણ પર ગ્રાહક પર લાદવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
સિમેન્ટ અને સ્ટીલની ઊંચી કિંમતો ગંભીર ચિંતાજનક બાબત છે અને ઉદ્યોગના ઘણા આગેવાનો અને મંત્રીઓએ ઘણા જાહેર મંચો પર પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી વી કે સિંહેસપ્ટેમ્બર, 2020માં એક ઔદ્યોગિક કાર્યક્રમમાં કાર્ટેલાઇઝેશન સામે સિમેન્ટ કંપનીઓને ચેતવણી પણ આપી હતી.
કેન્દ્રીય એમએસએમઈ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી આદરણીય શ્રી નીતિન ગડકરીએ પણ કિંમતમાં અતાર્કિક વધારા બદલ સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદકોને ચેતવણી આપી હતી અને પ્રધાનમંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
રોગચાળાની અસરથી માઠી અસર અનુભવતા રિયલ એસ્ટેટ ઉદ્યોગની સ્થિતિ કાચા માલની કિંમતમાં અતિ વધારાથી વધારે કથળી ગઈ છે.
ક્રેડાઈના ચેરમેન શ્રી જક્ષય શાહે કહ્યું હતું કે, “રિયલ એસ્ટેટ ક્ષેત્ર અતિ ઓછા નફાના માર્જિન સાથે કામ કરી રહ્યું છે. આ ક્ષેત્ર એક તરફ વેચાણ વિનાના પુરવઠાનો સામનો કરે છે, તો બીજી તરફ ફંડના અભાવે અધૂરા પ્રોજેક્ટની સમસ્યાથી ઘેરાયેલું છે. માગ સ્થિર થઈ જવાથી ડેવલપર્સ કિંમતમાં વધારો કરી શકતા નથી અને વાજબી દરેક પ્રોજેક્ટનું વેચાણ કરી રહ્યાં છે. ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્ર અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્તપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
આ ક્ષેત્ર 40 મિલિયનથી વધારે કામદારોને રોજગારી આપવા ઉપરાંત કેન્દ્ર સરકારની એફોર્ડેબલ હાઉસિંગ, વર્ષ 2022 સુધીમાં તમામ માટે મકાન જેવી યોજનાઓ તથા 250થી વધારે આનુષંગિક ઉદ્યોગોને ટેકો આપે છે. પણ આ ક્ષેત્ર ઉપેક્ષિત હોવાની લાગણી અનુભવે છે, કારણ કે સરકાર એની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા ટેકો આપતી નથી. સિમેન્ટ, સ્ટીલ અને અન્ય કાચા માલની કિંમતોમાં વધારાને નિયંત્રણમાં લેવાની તાતી જરૂર છે અને હું સરકારને વહેલામાં વહેલી તકે જરૂરી પગલાં લેવાની વિનંતી કરું છું.”
ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી સિમેન્ટની કિંમતમાં 23 ટકાથી વધુ અને સ્ટીલની કિંમતમાં 45 ટકાથી વધારે વધારો થયો છે. જાન્યુઆરી, 2020માં સિમેન્ટની કિંમત (50 કિલોગ્રામની બેગદીઠ) આશરે રૂ. 349 હતી અને ડિસેમ્બર, 2020માં વધીને બેગદીઠ રૂ. 420થી રૂ. 430 થઈ છે.
એ જ રીતે સ્ટીલ ઉત્પાદકો સ્ટીલની માગમાં વધારાનો અનુચિત રીતે ફાયદો ઉઠાવી રહ્યાં છે અને દર મહિને કિંમતમાં વધારો કરી રહ્યાં છે. ચાલુ વર્ષની શરૂઆતમાં સ્ટીલનો ભાવ ટનદીઠ રૂ. 40,000 હતો અને અત્યારે ડિસેમ્બર, 2020માં વધીને ટનદીઠ રૂ. 58,000 થઈ ગયો છે.
કિંમતમાં આ સતત વધારો સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકોના કાર્ટેલાઇઝેશનનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે. સ્ટીલની કિંમતમાં વધારો થવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને અસર થવાની સાથે અન્ય ક્ષેત્રોને પણ અસર થઈ છે.
ક્રેડાઈના પ્રેસિડન્ટ શ્રી સતિશ મગરે નિર્માણકાર્ય માટે જરૂરી કાચા માલની કિંમતમાં વધારા પર કહ્યું હતું કે, “અન્ય તમામ ક્ષેત્રોની જેમ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પ્રથમ 2 ત્રિમાસિક ગાળામાં લગભગ ઝીરો બિઝનેસમાંથી બહાર આવી રહ્યું છે અને તહેવારની સિઝન દરમિયાન એમાં સુધારો થવાની આશા હતી. કાચા માલના ખર્ચમાં વધારો થવાથી પ્રોજેક્ટ નાણાકીય રીતે અવ્યવહારિક બની ગયા છે અને ડેવલપર્સ વચ્ચે ચિંતા પેદા થઈ છે. હું નમ્રતાપૂર્વક સરકારને જરૂરી પગલાં લેવા અને સિમેન્ટ, સ્ટીલના ભાવમાં વધારાને અંકુશમાં રાખવા કામગીરી કરવા વિનંતી કરું છું.”
કાચા માલના ખર્ચમાં કોઈ પણ વધારો નિર્માણખર્ચમાં વધારા તરફ દોરી જશે અને એનાથી સંપૂર્ણ પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થશે. પરિણામે ઘણાં ડેવલપર્સને નિર્માણકાર્ય સ્થગિત કરવાની ફરજ પડશે, જેની અસર પ્રોજેક્ટ્સની ડિલિવરી પર થશે. આ રીતે છેવટે ઘરના ગ્રાહકોને પણ અસર થશે.
કિંમતોમાં આ અસાધારણ વધારો અનૈતિક છે તથા ગેરવાજબી અને નિયંત્રિત વેપારી પદ્ધતિઓનું પરિણામ છે. કોવિડ-19ના કારણે વર્ષનો મોટો ભાગ નિર્માણકાર્ય સ્થગિત રહેવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર અવરોધોનો સામનો કરે છે. અત્યારે મૂળભૂત કાચા માલમાં સતત અને અનિયંત્રિત વધારો થવાથી મડાગાંઠ સર્જાઈ છે અને ડેવલપર સમુદાય વચ્ચે અનિશ્ચિતતામાં વધારો થયો છે.