બોગસ કંપનીઓ ખોલી ગઠિયાઓ ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરી રૂપિયા કમાવવા કરી રહ્યા છે આ ધંધો
રિલીફ રોડ પરની એક દુકાનમાંથી ૨૦૦ ક્રેડિટકાર્ડ, ૧૦૦ મોબાઈલ જપ્ત-CIDએ જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે
(એજન્સી)અમદાવાદ, જ્યારે ખિસ્સામાં રોકડ ના હોય અને તે સમયે ખરીદી કરવી હોય કે બિલની ચૂકવણી કરવી હોય ત્યારે ક્રેડિટકાર્ડ ઉપયોગમાં આવે છે. સંકટ સમયની સાંકળ કહેવાતા ક્રેડિટકાર્ડને કેટલાક ગઠિયાએ રૂપિયા કમાવવા માટેનું સાધન ગણી લીધું છે. બોગસ કંપનીઓ ખોલીને ગઠિયાઓએ ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરીને રૂપિયા કમાવવા માટેનો મસમોટો ધંધો શરૂ કર્યાે છે,
જેનો ગઈ કાલે સીઆઈડી ક્રાઈમે પર્દાફાશ કર્યાે છે. રિલીફ રોડ પર આવેલી ઈલેક્ટ્રોનિકની દુકાનમાં સીઆઈડી ક્રાઈમે રેડ કરીને ૨૦૦ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એક સાથે ૨૦૦ ક્રેડિટકાર્ડ મળી આવતાં સીઆઈડી ક્રાઈમ પણ ચોંકી ઊઠી હતી અને તેણે ચિત્તાની ઝડપે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. ક્રેડિટકાર્ડ રેકેટમાં ઈન્ટરનેશનલ કનેક્શન પણ સામે આવે તેવી શક્યતાઓ છે જ્યારે ગેમિંગ સહિતના ધંધામાં ફંડિગ થયું હોવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી.
સીઆઈડી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે રિલીફ રોડ આવેલી રિલીફ આર્કેડ નામની બિલ્ડિંગની એક દુકાનમાં ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની એક સ્પેશિયલ ટીમે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રેડ કરી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિકની દુકાનમાં ૨૦૦ ક્રેડિટ કાર્ડ, ૧૦૦ મોબાઈલ ફોન તેમજ ક્યુઆર કોડ સ્કેનિંગ મશીન મળી આવ્યાં હતાં.
તમામ ક્રેડિટકાર્ડ અલગ અલગ નામના હોવાની સીઆઈડી ક્રાઈમની શંકા તેજ બની હતી તેણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. સીઆઈડી ક્રાઈમની રેડ અંદાજે આઠ કલાકથી વધુ ચાલી હતી, જેમાં ગેરકાયદે ટ્રાન્જેક્શન થયાં હોવાની પણ શંકા વ્યક્ત થયાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીઆઈડીએ આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે ને જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
સીઆઈડી ક્રાઈમના ડીસીપી મૂકેશ પટેલે જણાવ્યું છે કે કેટલાંક શંકાસ્પદ ટ્રાન્જેક્શન ખાતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે રિલીફ રોડની એક ઈલેક્ટ્રોનિકની દુકાનમાં રેડ કરી હતી, રેડ દરમિયાન ૨૦૦ જેટલાં ક્રેડિટકાર્ડ અને ક્યુઆર કોડ સ્કેન કરી શકાય તેવાં મશીન મળી આવ્યાં હતાં, તેમજ ૧૦૦ બિલ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
આ તમામ એચડીએફસી બેન્ક ેતેમજ એÂક્સસ બેન્કના હોવાનું સામે આવ્યું છે. ક્રેડિટકાર્ડ કોનાં છે તેમાં કેટલી ક્રેડિટ છે, ક્રેડિટકાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે. જેવી તમામ તપાસ કરવામાં આવશે. આ સિવાય ઝડપાયેલા આરોપીઓએ બોગસ કંપની ખોલી હતી કે નહીં, તેમજ રૂપિયાનાં ટ્રાન્જેક્શન કોની પાસે કરાવતા હતા
તેની તમામ વિગતો પણ તપાસવામાં આવશે. સીઆઈડી ક્રાઈમે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે અને આજથી બેન્કની વિગતો મગાવાશે. આગામી તપાસમાં વધુ વિગત ખૂલ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની વિગતો મળી રહી છે.
૨૦૦ ક્રેડિટકાર્ડ મળી આવ્યાં છે તેમાં મોટાં માથાંની સંડોવણી હોવાની આશંકા સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ક્રેડિટકાર્ડ રેકેટમાં ઝડપાઈ ચૂકેલો યુવક સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ હોવાની શક્યતાઓ છએ. રિલીફ આર્કેડ કોમ્પ્લેક્સમાં વિવિધ દુકાનો ભાડે રાખીને આ કાંડ આચરવામાં આવતું હતું.
ક્રેડિટકાર્ડ ઉપરાંત ક્રિકેટ સટ્ટાનું ગેમિંગ ફંડ, યુએસડીટી ટ્રાન્સફર કરી વિદેશમાં રૂપિયા મોકલ્યા બાદ પરત ભારતમાં લાવવાનું પણ કામ આ લોકો કરી રહ્યા હોવાનું સામે આવે તેવી શક્યતા છે. ક્રેડિટકાર્ડની આ સિન્ડિકેટમાં ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂકેલા બે શખ્સનું પણ કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.