હથીયાર સાથે મોરબી કોર્ટમાં આવેલા વાંકાનેર યાર્ડના ચેરમેન સામે ગુનો
મોરબી, મોરબીની કોર્ટ પરીસરમાં આવેલા આધેડ પોતાની સાથે પરવાનાવાળું હથીયાર સાથે લાવ્યા હતા. જે હથીયાર જોઈ શકાય તેમ રાખી લોકોમાં ભય ઉત્પન્ન થાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે આધેડ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોધી પોલીસે વધુ તપાસ ચલાવી છે. જે આરોપી વાંકાનેર યાર્ડના ચેરમેન હોવાની માહિતી મળી છે.
મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા હીતેષ મકવાણાએ આરોપી ગુલામ પરાસરા વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ફરીયાદ નોધાવી છે. જેમાં જણાવ્યું છે કે મોરબી કોર્ટ પરીસરમાં પોલીસે બંદોબસ્ત ગોઠવેલ હતો. આ સમયે એક ઈસમ જાહેરમાં દેખાય તેવી રીતે પોતાની કમર પર હથીયાર પીસ્ટલ બાંધીને કોર્ટ કંમ્પાઉન્ડમાં નીકળતા તેને રોકીને નામઠામ પુછતાં ગુલામ પરાસરા હોવાનું જણાવ્યું હતું.
જે હથીયાર અંગે પુછતા હથીયાર પોતાનું પરવાના વાળું હોવાનું જણાવ્યું હતું. જેના પરવાના નંબર અંગે પણ માહિતી આપી હતી. જે ઈસમ મોરબી કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. પોતે એક કેસમાં આરોપી હોય અઅને આજે કોર્ટમાં આવ્યા હતા કોર્ટ કમ્પાઉન્ડ ફાયર આર્મસ મુકત ઝોન હોય અને કોર્ટમાં ઘણા બધા ફરીયાદી, સાહેદો, પંચો, જુબાની આપવા માટે આવતા હોય છે.
ત્યારે લોકોમાં દેખાય તેવી રીતે હથીયાર લટકાવી ફરતા હોય જેથી લોકોમાં ભય ઉભો થતો હોય છે. જેથી આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોધી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે. આર્મ્સ એકટ હેઠળ જેના વિરૂધ્ધ ગુનો નોધાયયો છે. તે આરોપી વાંકાનેર માર્કેટીગ યાર્ડના ચેરમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.