હિંદુ નેતાઓના મર્ડરની ધમકી આપવાના પ્રકરણમાં ક્રાઈમબ્રાંચની તપાસ તેજ
દેશદ્રોહી કૃત્ય ઃ રઝાએ નાંદેડમાં અવાવરું સ્થળે ફેંકી દીધેલો મોબાઈલ શોધી કઢાયો -રઝા ઉર્ફે શકીલના મોબાઈલના ડેટા પરથી ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની વકી
સુરત, હિંદુ નેતાઓના મર્ડરની ધમકી આપવાના અને દેશદ્રોહી પ્રવૃતિ કરવાના ચકચારી પ્રકરણમાં ક્રાઈમબ્રાંચ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે. નાંદેડથી પકડાયેલા શકીલ ઉર્ફે રઝાએ પુરાવાના નાશ કરવાના બદઈરાદે મોબાઈલ તોડીને અવાવરું જગ્યાએ ફેંકી દીધો હોય ક્રાઈમબ્રાંચની ટીમે નાંદેડ જઈ ભારે શોધખોળના અંતે મોબાઈલ શોધી કાઢયો હતો.
સુરતના ઉપદેશ રાણા સહિત હિંદુવાદી નેતાઓને હત્યાની ધમકી આપવાના કેસમાં ક્રાઈમબ્રાંચે કઠોરના મૌલવી સોહેલ ટિમોલને પકડી પાડયા બાદ તેની સાથે દેશવિરોધી કૃત્ય કરતા બિહારથી શહેનાઝ ઉર્ફે મો.અલી અને બાદમાં મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા (ઉ.વ.૧૮)ને પકડી પાડયા હતા. રઝાએ કોન્ફરન્સ કોલમાં હિંદુ નેતા ઉપદેશ રાણાને હત્યાની ધમકી આપી હતી. આરોપી રઝા પાસેથી પાકિસ્તાનનો વ્હોટસએપ નંબર મળી આવ્યો છે.
આ નંબર ઉપરથી ગ્રુપમાં કોલિંગ તેમજ ચેટિંગ કરતો હતો. રઝા પાસેથી પાકિસ્તાનના જે વોટસએપ નંબર મળ્યા છે તે મારફતે નેપાળ અને લાઓસમાં રહેતા લોકો સાથે ચેટિંગ કરતો હતો.
વધુમાં દેશદ્રોહી કૃત્ય કરતા રઝા અને અલી ઉર્ફે શહેનાઝે પોત-પોતાના મોબાઈલ તોડીને ફેંકી દઈ પુરાવાનો નાશ કરી દીધો હતો. આ મોબાઈલ મારફતે થયેલા ઈન્ટરનેશનલ કોલ્સ, સોશિયલ મીડિયા ચેટિંગથી ચોંકાવનારા ખુલાસા થઈ શકે એમ છે. જેથી ક્રાઈમબ્રાંચની ટીમે નાંદેડ જઈ તપાસ કરી હતી.
અહીં ભારે રઝળપાટ અને શોધખોળના અંતે રઝાએ નાંદેડમાં જે અવાવરું જગ્યાએ તોડીને મોબાઈલ ફેંકી દીધો હતો તે પોલીસે કબજે લીધો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત પરત ફરી હતી. તાજેતરમાં જ સુરત પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર કાવતરું માત્ર ગુજરાત પૂરતું નહી પણ પાકિસ્તાન સુધી નીકળ્યું હતું.