ગોમતીપુરમાં નિર્દોષ યુવકની હત્યા કરનાર બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદનાં ગોમતીપુરમાં અંગત અદાવત રાખી કરાયેલા ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે પ્રથમ એલજી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત હિતેશ ગીરીશભાઈ વાઘેલાનું મોત નિપજ્યું હતું. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૨, ૩૦૭, ૫૦૬(૨) તેમજ ૧૧૪ તથા આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરાઇ છે.
અમદાવાદના ગોમતીપુર સુખરામ નગર રોડ પર આવેલા ગજરા કોલોનીમાં થયેલા ફાયરિંગની વાત કરીએ તો આરોપી મહેશ ઉર્ફે સુલતાન તેની જ ચાલીમાં રહેતા ભાવેશ સોલંકી સાથે અગાઉ ઝઘડો થયો હોય તેની અંગત અદાવત રાખી તેના મિત્રો સાથે ધર્મેશ ઉર્ફે રાજ વાલેરા, સાહિલ તથા વિજય મકવાણા ભેગા થઈને સ્કોડા ગાડી તેમજ એક્ટિવા ઉપર આવી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું.
તેની ચાલીમાં રહેતા હિતેશ વાઘેલાને લમણાના ભાગે ઇજાઓ કરી તેમજ જીતેન્દ્ર ચાવડાને છરી વડે ઝાંગના ભાગે ઇજાઓ કરી ફરાર થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા આરોપી મહેશ ઉર્ફે સુલતાન તેમજ ધર્મેશ ઉર્ફે ધમાને શાંતિપુરા સર્કલ તથા નાના ચિલોડા ન્યુ શાહીબાગ પાસેથી ઝડપી પાડ્યા હતા.