ક્રાઇમ બ્રાંચે ગુજરાતમાંથી છેલ્લા ૫ાંચ દિવસમાં ૧૭ જેટલાં હથિયાર ઝડપ્યા
ગાંધીનગર, નવરાત્રિમાં સબ સલામતના દાવા થઇ રહ્યા છે ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પાંચ દિવસમાં ૧૭ હથિયાર જપ્ત કર્યા છે. જે બાબત ગુજરાતમાં ગન કલ્ચર ડેવલપ થઇ રહ્યું હોવાની સાબિતી આપી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પોલીસે હથિયાર સાથે ઝડપેલા આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. આગામી દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ જ રહેશે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શોટગન, બાર બોરનું હથિયાર, પિસ્તોલ, કટ્ટા સહિતના અલગ અલગ હથિયાર કબજે કર્યાં છે.
અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે ૮ પિસ્તોલ કબજે કરી હતી. નવરાત્રિ અગાઉ જ પાંચ દિવસમાં ૧૭ હથિયાર, મોટી માત્રામાં કારતૂસ મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી શા માટે હથિયાર લાવ્યા હતા અને કોઈ ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના હતા કે કેમ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગત અઠવાડિયે પણ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ૪ આરોપીને ૮ હથિયાર સાથે ઝડપી લીધા હતા. આરોપીઓએ મધ્ય પ્રદેશના વ્યક્તિ પાસેથી હથિયાર અને કારતૂસ ખરીદ્યા હતા. તમામ આરોપીઓએ ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા.
ક્રાઈમ બ્રાન્ચે અગાઉના કેસમાં પણ હથિયાર મોકલનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, અગાઉ હથિયાર સાથે જે આરોપીઓને પકડ્યા હતા તેમની તપાસ દરમિયાન પોલીસની બે ટીમોએ વધુ પાંચ આરોપીને હથિયાર સાથે ઝડપ્યા છે. આરોપીઓએ ઇડરમાં એક વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદ્યા હતા.
મોહસીન અલી, મોહમ્મદ ફઝીલ, મતિઝ તુર્કી, અનીશ તુર્કી અને મોહમ્મદ ફૈઝાન નામના પાંચ આરોપીઓની ધરપકડ કરીને બે ગુના નોંધવામાં આવ્યા છે.
આરોપીઓ ઉત્તર પ્રદેશથી સસ્તામાં હથિયાર લાવીને અમદાવાદમાં વેચી દેતા હતા. આરોપીઓનો જેલમાં એકબીજા સાથે સંપર્ક થયો હતો. જેથી નફો કમાવવા માટે વાત કરીને બહાર આવીને હથિયાર વેચવાનું શરૂ કર્યું હતું. જોકે ક્રાઈમ બ્રાન્ચે તે હથિયાર વેચે તે પહેલાં જ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં હજુ કલ્પેશ ઠાકોર નામનો એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે.SS1MS