ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શનઃ દિગ્વિજયસિંહ
(એજન્સી)વડોદરા, ગુજરાતમાં ભાજપ સરકારના ખરાબ વહીવટનું પ્રમાણપત્ર મોરબી દુર્ઘટના છે, સરકાર આ દુર્ઘટના બાબતે જૂઠું બોલે છે અને બનાવની તપાસ માટે કોઈ એસઆઇટીનું ગઠન કરાયું હોય તો તેનું હજી નોટિફિકેશન પણ નીકળ્યું નથી.
મોરબી ઝુલતા પુલના ઇજારદાર કંપનીના માલિક, કલેકટર અને પ્રશાસન તંત્ર સામે હજુ સુધી કેમ ગુનાઈત દાયિત્વનો કેસ દાખલ કર્યો નથી એવો સવાલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ ઉઠાવ્યો છે.
વડોદરામાં કોંગ્રેસના પ્રચાર અર્થે આવેલા દિગ્વિજય સિંહએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપના વહીવટ નો આ નમૂનો છે. સરકારની આ એક મોટી ઐતિહાસિક ભૂલ અને નિષ્ફળતા છે. સરકારે હજુ સુધી મૃતકોને યાદી જાહેર કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકતંત્રનું મુખ્ય ઉદ્દેશ પરિવર્તન છે, અને મોરબી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સત્તામાં પરિવર્તન જરૂરી છે.
તેમણે ભાજપના રાજમાં સરકારના મોડલને ક્રાઈમ ,કમિશન અને કરપ્શન સાથે સરખાવ્યું હતું. દિગ્વિજય સિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડોદરા ની એમએસ યુનિવર્સિટી સહિત સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં યુ.જી.સી ની ગાઈડલાઈન નું પાલન થતું નથી.
અહીંના વાઇસ ચાન્સેલર પણ યુજીસી ગાઈડ લાઈન હેઠળ ક્વોલિફાઇડ નથી. પ્રોફેસરો ની જગ્યા ખાલી છે. એક સમયે વડોદરા ટેક્સટાઇલનું સેન્ટર હતું. જ્યારે આજે વડોદરા આસપાસ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું સેન્ટર બની ગયું છે. એક જમાનામાં પંજાબ ગેટવે ઓફ ડ્રગ્સ ગણાતું હતું.
જે આજે ગુજરાત બન્યું છે .યુવાધનને બરબાદ કરતી ડ્રગ્સ ગુજરાતથી આવે છે. તેમણે ગુજરાતની ડબલ એન્જિન સરકાર ગરીબોને કચડી નાખતી સરકાર આવી હતી. તેમણે આરએસએસને અન રજીસ્ટર્ડ સંસ્થા કહીને પ્રહાર કર્યા હતા. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ સાથે બિન કોંગ્રેસી સરકારો એ જ સમાધાન કર્યું છે.
સ્માર્ટ સિટી નો કન્સેપ્ટ મને હજી સુધી સમજાયું જ નથી, સ્માર્ટ સિટીમાં અર્બન પ્લાનરને ફાયદો થયો છે જ્યારે ગરીબોના હિતો માટે કોઈ કામ થયું નથી એમ તેમણે એક સવાલના પ્રત્યુતરમાં કહ્યું હતુ.