ન્યૂયોર્કમાં ક્રાઈમ રેટ અને ભીખારીઓની સંખ્યા વધી ગઈ!
ન્યૂયોર્ક, અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સને કારણે ન્યૂયોર્કમાં ક્રાઈમ રેટ વધી ગયો હોવાની ફરિયાદો વચ્ચે હવે શહેરના મેયર માઈગ્રન્ટ્સ પર કરફ્યુ લાદવાનું વિચારી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, મેયર એરિક એડમ્સ માઈગ્રન્ટ્સ માટે જે કાયદો બનાવવાનું વિચારી રહ્યા છે તેના હેઠળ ન્યૂયોર્કમાં રહેતા અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સ રાત્રે ૧૧ વાગ્યાથી સવારે છ વાગ્યાના ગાળામાં શેલ્ટર હોમમાંથી નહીં નીકળી શકે. મેયર એરિક એડમ્સનો પ્લાન ઓછી સંખ્યામાં માઈગ્રન્ટ્સ રહેતા હોય તેવા શેલ્ટર્સથી આ નિયમના અમલને શરૂ કરાવવાનો છે.
આ નિયમ અમલી બન્યા બાદ જો કોઈ માઈગ્રન્ટ ત્રણ વાર તેનો ભંગ કરશે તો તેને શેલ્ટરમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવામાં આવશે. ન્યૂયોર્કમાં માઈગ્રન્ટ્સને કારણે ક્રાઈમ રેટ વધી ગયો હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે કેટલાય માઈગ્રન્ટ્સ ન્યૂયોર્કના અલગ-અલગ વિસ્તારોમાં ભીખ પણ માગી રહ્યા છે, અને ઘણીવાર તેઓ લોકોના ઘર પાસે જઈને કપડાં કે પછી ફુડ માગે છે.
ન્યૂયોર્કના સૌથી મોટા શેલ્ટર્સમાંના એક એવા બ્રૂકલીનના ફ્લોયડ બેનેટ ફિલ્ડ શેલ્ટરની આસપાસ ક્રાઈમ રેટ વધી ગયો હોવાનો રિપોર્ટ ન્યૂયોર્કના અખબારમાં પ્રસિદ્ધ થયો હતો. ન્યૂયોર્ક પોસ્ટ નામના અખબારના રિપોર્ટ અનુસાર, ફ્લોયડ બેનેટ ફિલ્ડમાં બે હજાર જેટલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને રાખવામાં આવ્યા છે, જ્યાં ૨૭ નવેમ્બરથી ૭ જાન્યુઆરીના ગાળામાં રોબરી અને ચોરી સહીતના ગુના વધી ગયા હતા તેમજ શેલ્ટરની આસપાસના સ્ટોર્સમાં ચોરી થવાની ઘટનાઓ પણ વધી ગઈ હતી.
સ્થાનિક લોકોને ટાંકીને આ અખબારે એમ પણ જણાવ્યું હતું કે ઘણી માઈગ્રન્ટ મહિલા દેહવેપાર કરી રહી છે, જ્યારે અમુક માઈગ્રન્ટ્સ વાહનચાલકોની સામે આવી જઈને તેમને એક્સિડન્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી ૫૦૦ ડોલર જેટલી રકમ પડાવી રહ્યા હોવાની પણ ઘટના બની રહી છે. આ શેલ્ટર હોમને નવેમ્બર મહિનામાં ખોલવામાં આવ્યું હતું, જ્યાં બે હજાર માઈગ્રન્ટ્સને રખાયા છે પરંતુ ત્યારબાદ અહીં ક્રાઈમ રેટ વધતા પોલીસ દ્વારા પાંચ માઈગ્રન્ટ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ન્યૂયોર્કમાં સર્જાયેલી માઈગ્રન્ટ્સ ક્રાઈસિસ છેલ્લા ઘણા સમયથી અમેરિકા જ નહીં પરંતુ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની રહી છે. હજારો-લાખો અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સને ન્યૂયોર્કની હોટેલ્સ, શેલ્ટર હોમ્સ તેમજ જ્યાં જગ્યા મળે ત્યાં રાખવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ન્યૂયોર્કને કરોડો ડોલરનો ખર્ચો પણ થઈ રહ્યો છે.
તેવામાં હવે ન્યૂયોર્ક સ્ટેટના મંગળવારે રજૂ કરાયેલા ૨૩૩ અબજ ડોલરના બજેટમાં ન્યૂયોર્ક સિટીને માઈગ્રન્ટ્સ ક્રાઈસિસને પહોંચી વળવા માટે ૨.૪ અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે, જે ગત વર્ષથી ૫૦૦ મિલિયન ડોલર વધારે છે.
ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ ઘણા સમયથી માઈગ્રન્ટ્સના ધસારાને પહોંચી વળવા માટે બજેટ વધારવાની માગ કરી રહ્યા હતા, અને તેના માટે તેમણે ફેડરલ ગવર્મેન્ટની પણ મદદ માગી હતી. જોકે, એરિક એડમ્સે જે ડિમાન્ડ કરી હતી તેની સામે ન્યૂયોર્કને આ ક્રાઈસિસને પહોંચી વળવા ખૂબ જ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ન્યૂયોર્કના મેયરે હજુ ગત સપ્તાહે જ જણાવ્યું હતું કે માઈગ્રન્ટ્સને રાખવા માટે ન્યૂયોર્ક સિટીને ૨૦૨૫ના સમર સુધીમાં ૧૨ અબજ ડોલરના ફંડની જરૂર પડશે, પરંતુ તેની સામે ગવર્નરે બજેટમાં ન્યૂયોર્ક સિટીને ૨.૪ અબજ ડોલર જ ફાળવ્યા છે. ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નર કેથી હોચુલે બજેટ રજૂ કરતી વખતે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં વોશિંગ્ટન જઈને માઈગ્રન્ટ્સને વર્ક ઓર્થોરાઈઝેશન આપવા સહિતના મુદ્દા પર ફેડરલ ગવર્મેન્ટનો સપોર્ટ માગશે.
એક અંદાજ અનુસાર છેલ્લા છ-સાત મહિનામાં મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશેલા ૧.૬૫ લાખ જેટલા માઈગ્રન્ટ્સને ન્યૂયોર્ક સિટી મોકલવામાં આવ્યા છે, જેમાંથી ૭૦ હજાર હજુય હોટેલ્સ કે પછી શેલ્ટર્સમાં જ રહે છે અને તેમને જમવાનું સરકાર પૂરૂં પાડે છે.
ન્યૂયોર્કમાં બ્રુકલીનમાં આવેલા ફ્લોયડ બેનેટ ઉપરાંત મેનહટ્ટનના રેન્ડોલ્સ આયલેન્ડ અને ક્રવીન્સમાં ક્રિડમૂર સાયકિયાટ્રિક સેન્ટરમાં હજારો માઈગ્રન્ટ્સને રહેવા માટે મોટા પાયે સુવિધા ઉભી કરાઈ છે. આ સિવાય અન્ય જગ્યાઓએ પણ અલગ-અલગ હોટેલ્સ સહિતના સ્થળો પર માઈગ્રન્ટ્સને રાખવામાં આવ્યા છે.SS1MS