Western Times News

Gujarati News

બેંક લોન નહીં ચૂકવતા હેલિયોસ ટ્યુબના માલિકો સામે નોંધાયો ગુનો

મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કંપનીના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે

અમદાવાદ, અમદાવાદમાં બેંક ઓફ બરોડાની ગીરો લોન નહીં ચૂકવનારા હેલિયોસ ટ્યુબ એલાઈસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરોની ૨૯.૬૭ કરોડની લોન નહીં ચૂકવતા ૧૯.૩૭ કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કંપનીના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બેંક ઓફ બરોડના અધિકારીએ નવેમ્બર, ૨૦૧૯માં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાંથી કંપનીના માલિકો શાંતિલાલ સંઘવી અને મહેશ સંઘવીએ જુદી જુદી ક્રેડિટ ફેસીલીટી મેળવીને ૨૯.૬૭ કરોડની લોન મેળવી હતી. પરંતુ સમયસર લોનના હપ્તા ચૂકવ્યા નહોતા. એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, જુદી જુદી રીતે કંપનીએ ક્રેડિટ ફેસીલીટીના આધારે લોન લીધી હતી અને મે, ૨૦૧૩ થી લોનના હપ્તા શરૂ થયા હતા.

દરમિયાન કંપનીએ ચાલુ ખાતુ એચડીએફસી બેંક, યસ બેંક, એક્સિસ બેંકમાં ખોલાવ્યું હતુ. જેથી બેંકના અધિકારીઓએ ઓડિટ રિપોર્ટ સાથે સીબીઆઈને ફરિયાદ કરી હતી.

આ અંગે સીબીઆઈએ ત્રણ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ સીબીઆઈએ અમદાવાદમાં એક લક્ઝુરિયસ ફ્લેટ અને રાજુલામાં કોર્મશિયલ જમીન કુલ મળીને રૂપિયા ૧૯.૩૭ કરોડની મિલકત ટાંચમાં લીધી છે. જેમાં શાંતિલાલ સંઘવી અને મહેશ સંઘવીના ડફનાળા રોડ શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર બંગલોમાં તપાસ કરી હતી.

બેંકની લોન નાણા મેળવીને અન્ય સહભાગી કંપનીઓમાં પૈસા ડાયવર્ટ કર્યા હતા, મિલકતો ખરીદી હતી વગેરેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સીબીઆઈની તપાસમાં મુંબઈમાં આવેલો એક ફ્લેટ મોર્ગેજ કર્યો હોવાનો ખુલાસો થયો છે. બેંક ઓફ બરોડાએ હરાજી અને અન્ય રીતે રૂપિયા ૫.૬૪ કરોડની લોન રિકવર કરી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.