Western Times News

Gujarati News

16 વર્ષની ઉંમરે લોખંડની ચોરી કરી ગુનાખોરીની દુનિયામાં પગ માંડનાર ઠુંઠો સામે ચોરીની 62 ફરિયાદ

૪૦ વર્ષથી પોલીસને હંફાવતો હતો જૈનુલ આબેદ્દીન ઉર્ફે જાનુ ઉર્ફે ઠુંઠો અબ્દુલ જબ્બાર અન્સારી, બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

(એજન્સી) અમદાવાદ, ૧૬ વર્ષની ઉંમરે ૧૯૮૫માં ખુલ્લામાંથી લોખંડની ચોરી કરી ગુનાખોરીની દુનિયામાં પગ માંડનાર જૈનુલ અન્સારી હાલ ૫૬ વર્ષનો થયો છે. છેલ્લા ચાલીસ વર્ષથી તે પોલીસને હંફાવી રહ્યો હતો.

૧૯૯૧માં અકસ્માતે હાથ ગુમાવ્યો હોવા છતાં એક હાથે બાઇક અને ગાડી પૂરપાટ હંકારી દારૂની ખેપ મારવા કે ચેઇન સ્નેચિંગ જેવી ગુનાખોરીમાં માહેર જૈનુલ વિરુદ્ધ ૬૨ ફરિયાદો નોંધાઇ છે. આ રીઢો ગુનેગારે એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપ્યો છે.

રીઢા ગુનેગારોને ઝડપવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખાસ કવાયત શરૂ કરી છે. ઇન્સ્પેક્ટર દિપક ઢોલાને બાતમી મળી હતી કે, રીઢો ગુનેગાર કે જે હાલ લુણાવાડા પોલીસ મથકના એનડીપીએસના કેસમાં જેલમાં ગયો હતો. જે જપ્તામાંથી ભાગ્યો હતો. તે હાલ અમદાવાદમાં છે. જેને પગલે પોલીસે તેને ઝડપી લઇ લુણાવાડા પોલીસના હવાલે કર્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત શહેરના લગભગ તમામ પોલીસ મથકોમાં જેના વિરુદ્ધ ફરિયાદો નોંધાઇ છે તેવા જૈનુલ આબેદ્દીન ઉર્ફે જાનુ ઉર્ફે ઠુંઠો અબ્દુલ જબ્બાર અન્સારી(ઉ. ૫૬, રહે. ગાયત્રી એપાર્ટમેન્ટ, બાપુનગર અમદાવાદ)એ લોખંડ ચોરીથી દારૂની ખેપ અને પછી નશીલા પદાર્થોની હેરાફેરી શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.