રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ: INDI -એલાયન્સને ફટકો
યુપીમાં સમાજવાદીના ૭ અને હિમાચલમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યુ
નવી દિલ્હી, સોમવારે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેસ અને કર્ણાટક રાજ્યની રાજ્યસભાની કુલ ૧૫ બેઠકો માટે આજે સવારથી જ સ્થાનિક વિધાનસભાઓમાં મતદાન શરૂ થયું હતું. આ મતદાનમાં ક્રોસ વોટિંગ થવાની સૌથી વધુ દહેશત હતી અને તે સાચી પણ પડી છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનાં ૭ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કરતાં રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. જ્યારે કર્ણાટકમાં ભાજપનાં એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ઉત્તર પ્રદેશની ૧૦ બેઠકો, કર્ણાટકની ૪ અને હિમાચલ પ્રદેશની ૧ બેઠક ખાલી પડતાં આ ચૂંટણી યોજાઈ હતી. સાંજે મતદાન પૂરું થતાં જ મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં સૌ પ્રથમ કર્ણાટકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનું વિજય થયું છે. સૌથી વધુ રસપ્રદ ઉત્તરપ્રદેશની રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામ પર મંડાયેલી છે. મોડી રાત સુધીમાં તમામ બેઠક પરનું પરિણામ જાહેર થઈ જશે. કુલ ૫૬ સીટો ખાલી થઈ હતી. જેમાંથી ૪૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં છે. જેમાં ભાજપના રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી બિનહરીફ જાહેર થયેલાં છે.
લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની ૧૫ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ઉત્તરપ્રદેશની ૧૦, કર્ણાટકની ૪ અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેના ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે હિમાચલમાં પણ ક્રોસ વોટિંગ થયું હતું.
જેમાં કોંગ્રેસના ૯ ધારાસભ્યએ ભાજપને વોટ આપ્યો હોવાનો જાણવા મળી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મતદાન કરવા માટે ૮ બળવાખોર સપા ધારાસભ્યોને તેમની સાથે લઈ ગયા હતા. સપાના ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ, રાકેશ પાંડે, અભય સિંહ, મનોજ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી, મહારાજી પ્રજાપતિ અને આશુતોષ મૌર્યએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે.
એવું માનવામાં આવે છે કે, ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠને ૨૬-૨૮ ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળી શકે છે જ્યારે સપાના ઉમેદવારને એકંદરે માત્ર ૨૦ વોટ મળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર સંજય સેઠની જીત લગભગ નિશ્ચિત મનાતી હતી.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ૯ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેના કારણે અહીંના રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હિમાચલમાં રાજ્યસભાની એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ ૬૮ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનું કહેવું છે કે અમે ચૂંટણીને રસપ્રદ બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે હું જીતતાની સાથે જ કોંગ્રેસની સરકાર પડી જશે.
આ દરમિયાન મહાજને સીએમ સુખુ પર પણ જોરદાર નિશાન સાધ્યું. વિધાનસભામાં સવારે ૯ વાગ્યાથી મતદાન ચાલુ છે, જે સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ સાંજે ૫ કલાકે મતગણતરી હાથ ધરાઈ હતી. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે હર્ષ મહાજનને ઉમેદવાર બનાવ્યા છે.