CRPF દેશમાં કોવિડ-19 મહામારી વિરુદ્ધ આપણી લડાઇમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપી રહી છે: રેડ્ડી
નવી દિલ્હી, નવી દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના સીધા નિયુક્ત ગેઝેટેડ અધિકારીઓની 51મી બેચનો દીક્ષાંત સમારંભ ‘વેબિનાર’ સંપન્ન થયો હતો. કોવિડ-19 સામે લડવા માટે નિર્ધારિત કરવામાં આવેલા સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને આ ઑનલાઇન આયોજન 42 ટ્રેઇની અધિકારીઓની બેઝિક તાલીમ પૂર્ણ થયા પછી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં CRPFના મહા નિદેશક શ્રી એ. પી. મહેશ્વરીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનો સંદેશો વાંચ્યો હતો.
ગૃહમંત્રીએ પોતાના સંદેશામાં ટ્રેઇની અધિકારીઓને કહ્યું હતું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે, પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે ઓપરેશનલ કાર્યો પાર પાડતી વખતે ચોક્કસપણે તમારી સમક્ષ અનેક પડકારો આવશે જેનો નિપુણતાપૂર્વક સામનો કરવા માટે તમે પોતાની યોગ્ય તાલીમ અને બળ પર પરિપકવતા હાંસલ કરી ચુક્યા છો.”
દેશની સુરક્ષામાં CRPFના અદ્વિતિય યોગદાનની પ્રશંસા કરતા શ્રી અમિત શાહે CRPFને દેશની આંતરિક સુરક્ષાની કરોડરજ્જૂ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, CRPFના 2200થી પણ વધુ બહાદુર શહીદો, જેમણે દેશના રક્ષણ માટે પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમને હું હૃદયથી વંદન કરીને શ્રદ્ધાંજલી અપર્ણ કરું છું. ગૃહમંત્રીએ ટ્રેઇની અધિકારીઓને કહ્યું કે, “મને વિશ્વાસ છે કે, તમારા જેવા નવ નિયુક્ત અધિકારીઓ CRPFમાં નવી ઉર્જાનો સંચાર કરશે. હું અપેક્ષા રાખું છું કે, તમે પોતાને અગ્રણ હરોળમાં રાખીને તમારા દળના જવાનોને પ્રભાવશાળી અને કાર્યદક્ષ નેતૃત્વ પ્રદાન કરશો.”
ટ્રેઇની અધિકારીઓને દેશની સેવાને પોતાનું પરમ કર્તવ્ય માનવાની પ્રેરણા આપતા શ્રી શાહે જણાવ્યું કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમે તમારા કર્તવ્યો સંપૂર્ણ ઇમાનદારી અને નિષ્ઠા સાથે નિભાવશો અને પોતાની એક ઉત્તમ છબી સ્થાપિત કરવામાં સફળ થશો. આ દળના યશ અને કિર્તીને અનુરૂપ તમે તમારું સર્વસ્વ દેશની અખંડિતા, એકતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે સમર્પિત કરીને આ દળની ગૌરવશાળી પરંપરાને વધુ સમૃદ્ધ કરશો.”
અંતે, ટ્રેઇની અધિકારીઓ, તેમના પરિવારજનો અને સમગ્ર CRPF પરિવારને અભિનંદન અને શુભેચ્છા આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “હું ફરી આપ સૌની પાસેથી અપેક્ષા રાખુ છુ કે દેશની આંતરિક સુરક્ષાની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ તમે પોતાના તરફથી સર્વોચ્ચ યોગદાન આપશો.”
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ તાલીમના સફળ સમાપન પ્રસંગે ટ્રેઇની અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, અમે CRPFના એ 2200 જવાનોને શ્રદ્ધાંજલી આપીએ છીએ જેમણે દેશની સુરક્ષા, એકતા અને અખંડિતા જાળવી રાખવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ તાલીમથી અધિકારીઓનું મનોબળ અનેક ગણું વધી જશે અને તેઓ આ દળને સાચી કમાન પૂરી પાડી શકશે. CRPF દેશમાં કોવિડ-19 મહામારી વિરુદ્ધ આપણી લડાઇમાં પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ યોગદાન આપી રહ્યું છે.
શ્રી રેડ્ડીએ કહ્યું કે, આજ સુધી CRPFના જવાનો જ્યાં પણ તૈનાત કરવામાં આવે ત્યાં તેમણે હંમેશા લોકોનો વિશ્વાસ જીત્યો છે. તેમણે કહ્યું કે, આ દળે દેશના એકીકરણના દિવસોથી માંડીએ પૂર્વોત્તરમાં નક્સલી ઉગ્રવાદ, ભાગલાવાદ અને જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદ સામે સફળતાપૂર્વક લડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ આ અધિકારીઓને તાલીમ આપવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ CRPFની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આના કારણે તેઓ સંપૂર્ણપણે પ્રોફેશનલ અને સેવાઓમાં કોઇપણ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનશે.
એક વર્ષની આકરી તાલીમના તબક્કામાંથી પસાર થયા બાદ 42 ટ્રેઇની અધિકારીઓ આજે એકેડેમીમાંથી પાસઆઉટ થયા જેમાં 5 પોસ્ટ ગ્રેજ્યુએટ, 21 એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, 2 ડૉક્ટર અને 2 કાયદાના ગ્રેજ્યુએટ સામેલ છે. આ પ્રસંગે ટ્રેઇની અધિકારીઓને પુરસ્કાર અને ટ્રોફી પણ આપવામાં આવ્યા હતા.