ગાંધીનગરનાં CRPF કેમ્પમાં સબ ઈન્સ્પેક્ટરે બંદૂકથી ગોળી મારીને આપઘાત કર્યો
આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધ્યો છે, બીજી બાજુ પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પરિવારજનો અને કેમ્પના કર્મચારીઓની પુછપરછ કરી રહી છે
ગાંધીનગર, રાજ્યમાં અવારનવાર પોલીસકર્મીઓ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોય તેવી અનેક ઘટનાઓ બની છે. ત્યારે હાલ ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં એક સબ ઈન્સ્પેક્ટરે છદ્ભ-૪૭થી ગોળી મારીને આપઘાત કર્યો છે.
૫૯ વર્ષીય સબ ઈન્સ્પેકટરે પોતાની છા૪૭ સર્વિસ ગનથી ગોળી ચલાવી છે. જેના કારણે કેમ્પમાં હડકંપ મચી ગયો છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી બાજુ પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પરિવારજનો અને કેમ્પના કર્મચારીઓની પુછપરછ કરી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ દશકોઈના બીલાસીયાં ગામના વતની કિશનભાઈ મોહનભાઈ રાઠોડ અમદાવાદ રખીયાલમાં આવેલ સૂર ધારા સોસાયટી ખાતે રહે છે. બે દિવસ અગાઉ જ તેઓ પોતાના પરિવારને મળવા માટે ઘરે ગયા હતા.
પરંતુ જ્યારે ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં પાછા ફર્યા બાદ આજે પોતાની ફરજ પતાવીને સૂતા હતા, ત્યારે કિશનભાઈ મોહનભાઈ રાઠોડે પોતાની બેરેકમાં સૂતા સૂતા જ છદ્ભ-૪૭ ગનથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું છે કે, સબ ઇન્સ્પેકટરની રેન્ક ધરાવતાં કિશનભાઈએ છદ્ભ – ૪૭ થી આપઘાત કરી લેતા સ્થળ પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં અચાનક છદ્ભ – ૪૭ ગનથી ફાયરીંગનો અવાજ આવતા અન્ય જવાનો દોડતા થઈ ગયા હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર આત્મહત્યાની વિગતો ખૂલી હતી. પોલીસે આ સંદર્ભે પરિવારની પૂછપરછ કરતાં હાલમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ સાથી કર્મચારીઓની પણ પૂછતાંછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા. પરંતુ જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કિશનભાઈનાં પગનું હાડકું વધી રહ્યું હતું. જે બીમારીના કારણે કિશનભાઈ પીડિત હતા.