ITના દરોડામાં પ્રથમ વખત ક્રિપ્ટોકરન્સી ખાતું પકડાયું
જયપુર, આવકવેરા વિભાગે જયપુરમાં ટેન્ટ ટ્રેડર્સ અને ઇવેન્ટ કંપનીઓ સાથે સંકળાયેલા બિઝનેસમેન પર દરોડા પાડીને રૂ. ૯.૬૫ કરોડની વસૂલાત કરી છે. આ સાથે કરોડોની કિંમતના ઘરેણા અને ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. રાજસ્થાનમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે આવકવેરાના દરોડામાં કોઈ વ્યક્તિનું ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું હોય.
આવકવેરાની ટીમે જયપુરમાં તાલુકા ટેન્ટ હાઉસ, જય ઓબેરોય કેટર, મેપસોર, ભાવના ચારણ, આનંદ ખંડેલવાલના અનેક સ્થળો પર સર્ચ કર્યું હતું. જેમાં રિસોર્ટ, હોટલ સંચાલકો, વેડિંગ પ્લાનર્સ, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, કેટરર્સ અને ફ્લોરિસ્ટની મિલીભગત સામે આવી છે. આવકવેરા વિભાગના દરોડા રવિવારે રાત્રે પૂરા થયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા અધિકારીઓને સર્ચ દરમિયાન ૯.૬૫ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
આ સાથે ૧૨.૬૧ કિલો સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમની કુલ કિંમત ૧૦.૨૫ કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા અધિકારીઓને દરોડામાં ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ પણ મળી આવ્યું હતું. સંબંધિત કરદાતાએ ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટનો પાસવર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો. તેના પર અધિકારીઓએ એકાઉન્ટનું સંચાલન કરતી એજન્સીને આ એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે.
રાજસ્થાનમાં ઈન્કમ ટેક્સના દરોડામાં આ પહેલીવાર છે જ્યારે અધિકારીઓએ કરદાતાના ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટને જપ્ત કરવામાં સફળતા મેળવી છે. ભોપાલમાં, લોકાયુક્ત પોલીસે પૂર્વ પરિવહન વિભાગના કોન્સ્ટેબલ સૌરભ શર્માના પરિસરમાં દરોડા પાડ્યા અને ૩૦૦ કિલો સોનું અને ચાંદી અને કરોડોની રોકડ જપ્ત કરી. લોકાયુક્તના દરોડામાં ૨૩૪ કિલો ચાંદી અને ૫૨ કિલો સોનું મળી આવ્યું હતું.
આ પહેલા પૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી ૩.૨૫ કરોડ રૂપિયાની રોકડ મળી ચુકી છે. તમને જણાવી દઈએ કે ભોપાલના જંગલમાં ત્યજી દેવાયેલી કારમાંથી ૫૨ કિલો સોનું અને લગભગ ૧૦ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.