Western Times News

Gujarati News

ગભરાટ ત્યજીને સાહસિક વૃત્તિ કેળવોઃ સિદ્ધિ મેળવવા સાહસ તો ખેડવું જ પડે

સ્પેસ શટલમાં સફર કરનાર કલ્પના ચાવલા, ઉદ્યોગપતિ સ્વ. શ્રી ધીરુભાઈ અંબાણી, દેશદાઝ ધરાવનાર સુભાષચંન્દ્ર બોઝ, એવરેસ્ટ પર પહેલો પગ મુકનાર પર્વત ચઢનાર પર્વતારોહક શેરપા તેનઝિંગ તથા એડમન્ડ હિલેરી જેવી સાહસિક વ્યક્તિઓ કેવી રીતે ભુલાય.

માનવીને પોતાની પ્રગતિ સાધવામાં સાહસિક સ્વભાવ ઘણો જ મદદરૂપ થાય છે. પરંતુ મોટા ભાગનાં માનવીઓ સાહસ ખેડે છે, પરંતુ ગભરૂ સ્વભાવ હોવાથી આગળ વધી શકતા જ નથી. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, તેમ અમુક માનવીઓ એક પછી એક ડગલું સાચવીને ભરતા હોય છે તથા દરેક વખતે સંરક્ષાત્મક પગલું ભરતા રહેતા હોય છે

જેથી તેઓ સતત નિષ્ફળ જતા હોય છે અને બીજા લોકો તેનાથી ઘણા આગળ નીકળી જતા હોય છે. તેઓ મનમાં શંકા જ રાખતા હોય છે કે તેઓ જે પગલું ભરે છે તે યોગ્ય છે કે નહિ અને પરિણામે તેઓ પોતાની જિંદગીમાં ખાસ કશું જ કરી શકતા નથી.

સિદ્ધિ મેળવવા સાહસ તો ખેડવું જ પડે છે. આવેલી તકને પડકાર સમજીને ઉપાડી લેવી જોઈએ. તક વારંવાર આવતી નથી. સાહસિકતા જીવનને સુખી કરે છે . માનવી કોઈ વખત નિષ્ફળ જાય પરંતુ ગભરાયા વગર સાહસ કરીને બીજું પગલું ભરતા તે સફળ પણ થઈ શકે છે. તેવું વિચારીને ગભરાયા વગર યા હોમ કરીને ઝંપલાવું જોઈએ.

ઈતિહાસ વાંચતા જાણવા મળશે કે ઘણાના જીવનમાં સાહસ કરીને પગલું ભરતા પોતાનું જીવન બદલાઈ જતા વાર લાગી નથી. પરંતુ ગમે તેવું કે આંધળુકિયું સાહસ કરતા પડતી થવામાં વાર લાગતી નથી.

અલબત્ત જીવનમાં સાહસ તો કરવું જ જોઈએ પરંતુ ઉતાવળિયું સાહસ કે લોકોને બતાવવા જતાં કે પોતાનો અહમ્‌ પૂરો કરવા સાહસ કરવું ન જોઇએ કે જેથી પોતાનું જીવન કે પોતાના પરિવારનું જીવન જોખમમાં આવી જાય. વ્યવસ્થિત આયોજન કરીને સાહસિક પગલું ભરતા તે સફળતા મેળવ્યા વગર રહેશે નહિ. સાહસ વિના કોઈનો ઉદ્ધાર થતો નથી અને કદાચ સાહસ વિના કોઈનો ઉદ્ધાર થયો હશે, તો તેનાં નસીબની યારી જ કહેવાય. સાહસિક સ્વભાવ માનવીને પરિશ્રમ કરવા પ્રેરે છે અને જીવનમાં આગળ આવવા પરિશ્રમની મહત્તા તો હોય જ છે.

એકધાર્યું ચીલાચાલુ જીવન ચલાવવામાં જિંદગીમાં આનંદ કે સુખ મળતા નથી પરંતુ પોતાને કંઈક કરવું જ છે જેથી પોતાને સ્વઆનંદ મળે. અમુક માનવીઓ વર્તમાનમાં જ છે તેમ ચલાવ્યે જ જાય છે અને વય વધતા તેની કાર્યશક્તિ ઘટતી જવાથી પોતે પોતાના પગ પર જ કુહાડો મારતા હોય છે. આ આધુનિક જમાનામાં જ્યાં ગળાકાપ હરિફાઇ ચાલતી હોય છે ત્યાં કોઈક નવા વિચારો અપનાવી સાહસિક પગલું ભરતા ન્યાલ થઈ જવાય છે.

ત્વરિત નિર્ણય લઈને વ્યવસ્થિત આયોજન કરીને અને સાહસ કરીને ઝંપલાવતા તે વ્યક્તિ ઘણો આગળ આવી શકે છે. લોકનજરમાં આવવા વિવિધ કીમિયા પણ અજમાવી શકાય છે. આજના જમાનામાં શ્રી અમિતાભ બચ્ચનના અમુક ચિત્રપટો નિષ્ફળ જતા તે ટી. વી. માં વિજ્ઞાપનમાં દેખાવા લાગ્યા તથા ઘર બેઠા ટી. વી. માં તેને જોવાથી તેનો પ્રભાવ વધતો ગયો

અને તેઓ ટી. વી. પ્રોર્ગ્મમાં ‘કૌન બનેગા કરોડપતિમાં’ પોતે ઉતરતા તે લોકનજરમાં પાછા આવી ગયેલ અને પાછા ધીરે ધીરે ચિત્રપટમાં છવાઈ ગયા. કપિલદેવ, ગાવાસ્કર, નવજોત સિદ્ધુ , વેંકટ રાઘવન તથા જેફ બોયકોટ જેઓ એક જમાનાભાં ક્રિકટની રમતમાથી કારણોસર દૂર થતા તેઓ સાહસ કરીને વિવિધ કીમિયા કરીને જુદે જુદા ક્ષેત્રમાં આગળ આવ્યાનાં દાખલાઓ પણ છે.

વેપાર-ધંધામાં, નોકરિયાત કે નોકરીમાં કે કલાકાર કળામાં જો સાહસવૃતિ રાખે તો તે અવશ્ય સફળતા મેળવશે જ. કોઈ પણ કામ હાથમાં લેતા આ કાર્ય સફળ થશે જ તેવાં હકારાત્મક વિચારો રાખવાથી તે કાર્ય પૂરું કરી શકશે. કોઈ વાતમાં પારંગત હોવું પૂરતું નથી પરંતુ સફળ થવામાં બીજી બાબતો પણ અગત્યની ઞણાય છે જેમ કે ત્વરિત પગલું, વ્યવસ્થિત આયોજત તથા સાહસિકવૃત્તિ.

સાહસ ખેડતા કોઈ કોઈ વખત જીવનમાં જોખમ પણ ઉઠાવવું પડતું હોય છે જેથી ગભરાવું ન જોઈએ. બાળકો સાહસિક કથાઓ વાંચે કે સાંભળે તો તેઓમાં બાળપણથી સાહસિક થવાની વૃત્તિ આવે. સાહસિકવૃત્તિ ધરાવનાર વ્યક્તિ સમાજમાં બહુમાન મેળવે છે તથા નાત-જાત, દેશ-વિદેશમાં પણ પોતાનું નામ ગાજતું રહે છે તથા તેની કદર પણ થાય છે. પોતાની જાનની પરવા ન કરતા બીજાનો જાન બચાવવામાં હિંમત રાખવી પડે છે જે સાહસને દેશમાં પ્રજાસત્તાક દિવસે બિરદાવવામાં આવે છે. સાહસિકવૃત્તિ ધરાવતો માનવી હરહમેંશ માનસિક રીતે તંદુરસ્ત હોય છે.

જોખમ ભરેલું કાર્ય માથે લઈને ફરનાર સાહસિક વ્યક્તિઓ તાજગીથી થનગનતા હોય છે. તથા સાહસ ખેડવા હંમેશા તત્પર જ હોય છે. સ્પેસ શટલમાં સફર કરનાર કલ્પના ચાવલા, ઉદ્યોગપતિ સ્વ. શ્રી ધીરુભાઈ અંબાણી, દેશદાઝ ધરાવનાર સુભાષચંન્દ્ર બોઝ, એવરેસ્ટ પર્વત ચઢનાર પર્વતારોહક શેરપા તેનઝિંગ તથા એડમન્ડ હિલેરી જેવી સાહસિક વ્યક્તિઓ કેવી રીતે ભુલાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.