હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ
‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ વરુ વસ્તી ગણતરી-૨૦૨૩ મુજબ રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ ; સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા
વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરાઈ; જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ
ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વરુના સંરક્ષણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલી બનાવવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદનું
વાતાવરણ છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આ પહેલો વધુ સુદ્રઢ અને મજબુત બની છે. જેના પરિણામે ગુજરાત વન વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. મંત્રીશ્રીઓની આગેવાનીમાં તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે.
જેના પરિણામ વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં વરુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે ૩૯ નર્મદા જિલ્લામાં, ૩૬ બનાસકાંઠામાં, ૧૮ સુરેન્દ્રનગરમાં, ૧૨-૧૨ જામનગર અને મોરબીમાં તેમજ ૦૯ કચ્છ જિલ્લામાં વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મેહસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.
આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાઓની એક નકશાપોથી (એટલાસ) – રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ એટલાસ ભારતીય વરુના સંરક્ષણના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે એક મુખ્ય પ્રજાતિ છે જે પર્યાવરણીય સંતુલન જાળવવા અને કૃષિ ટકાઉપણાને સમર્થન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ઉપલબ્ધ રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ આ એટલાસ તારીખ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ‘સુ-શાસન’ના દિવસે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં વરુના આવાસોનો એટલાસ વિમોચન કરવામાં આવ્યું છે.
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એટલાસનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વરુના અનુકૂળ આવાસોને ઓળખવાનો છે. જેથી જો વરુના અનુકૂળ આવાસોને સંરક્ષણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે તો વરુનું અને અન્ય વન્યજીવોનું પણ સંરક્ષણ થશે અને પરિણામ સ્વરૂપ વરુની વસ્તીમાં પણ વધારો થશે. આ અનુકૂળ વિસ્તારો વિષેની વિસ્તૃત માહિતી આ એટલાસમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં રાજ્યના ૧૩ જીલ્લાઓમાં વરુની હાજરી અને તેના આવાસોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ આવાસો અસરકારક સંરક્ષણ વરુના સંરક્ષણ દ્વારા તેની વધતી વસ્તીને અનુકૂળ વિસ્તારો પ્રાપ્ત થઇ શકે.
Ø વરુના વસવાટ માટે ગુજરાત આદર્શ નિવાસસ્થાન
ગુજરાતમાં વરુ મુખ્યત્વે જંગલ તેમજ રણ વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી છૂપાઇવાળા અને વૃક્ષોથી ભરેલા વિસ્તારોમાં વસવાટ કરે છે. આ એટલાસ મુજબ વરુ માટે અનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વે ખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અને પાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતા સાથેના ઘાસના મેદાનોથી બનેલા છે, જે ભારતીય વરુ માટે આદર્શ નિવાસ સ્થાન છે.
આ ઉપરાંત, કચ્છના નાના અને મોટા રણને પણ ભારતીય વરુ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે. સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે, તે બીજું એક મુખ્ય સ્થાન છે જ્યાં વરુ એ કુદરતી શિકારી તરીકે કાળિયારની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.
‘ગીર’ ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશાપોથી (એટલાસ), તેના મુખ્ય નિવાસ સ્થાનોને જોડતા મહત્વપૂર્ણ ‘કોરિડોર’ને ઓળખવામાં પણ મદદરૂપ સાબિત થશે. આ કોરિડોર ભારતીય વરુની હિલચાલ અને આનુવંશિક વિવિધતા માટે મહત્વપૂર્ણ છે, જે તેના લાંબા ગાળાના અસ્તિત્વ માટે જરૂરી છે. આ એટલાસ ભાવિ સંરક્ષણની વ્યૂહરચનાઓની યોજના બનાવવા અને સુરક્ષાની જરૂરિયાતવાળા વિસ્તારોને પ્રાધાન્ય આપવા માટે એક નિર્ણાયક સાધન તરીકે જરૂરી છે.
‘ગીર’ ફાઉન્ડેશન આ એટલાસ ગુજરાતમાં ભારતીય વરુના નિવાસસ્થાનોને અસરકારક રીતે સંચાલિત અને સંરક્ષિત કરવા માટે માર્ગદર્શક સંસાધન તરીકે સેવા આપશે. આ એટલાસ વર્ષોના ક્ષેત્રિય
માહિતી, વન વિભાગના સ્ટાફના સતત અવલોકનો, સંશોધન અને સંરક્ષણના કારણ માટે પ્રતિબદ્ધ નિષ્ણાતોના સામૂહિક જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત વરુઓનું જતન તેમજ ખોટી માન્યતાઓને દૂર કરવા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને દ્વારા જંગલો, રણ પાસે વસવાટ કરતા નાગરિકોને વરુને બચાવવા અને તેમનું જતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
Ø વરુની ઓળખ
વરુ (Wolf)એ પ્રકૃતિમાં પામેલા બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ “Canis lupus pallipes” છે. વરુના શરીરનો માપ ૦૩ થી ૦૫ ફૂટ લાંબો અને તેનો વજન ૩૦ થી ૮૦ કિલોગ્રામ સુધી હોય છે. તેના ચોખ્ખા શરીર, ચમકીલી આંખો અને લાંબી પૂંછડી તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. તેની રૂંવાટીમાં ભૂખરો, કાળો, સફેદ અથવા ખાખી જેવા રંગો હોય છે, જે તેને તેના પર્યાવરણમાં છુપાઈ રહેવા સહાય કરે છે.
વરુના સમૂહને “પેક” નામથી ઓળખાય છે. સામાન્ય રીતે એક સમૂહમાં ૦૬ થી ૧૫ વરુ હોય છે. જેમાં એક આલ્ફા નર અને આલ્ફા માદા જે આખા સમૂહના અગ્રણી હોય છે. તેઓ સાથે શિકાર કરે છે, ખોરાક વહેંચે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.
વરુ માત્ર એક શિકારી પ્રાણી નથી, પરંતુ તે પ્રકૃતિના સંગઠનનું એક અનિવાર્ય અંગ છે. તેની બુદ્ધિ, સામાજિક વ્યવસ્થાથી ભજવાતી ભૂમિકા અને પ્રકૃતિમાં તેનું સ્થાન માણસને પ્રકૃતિ સાથેના સંબંધને વધુ ગાઢ બનાવવાની પ્રેરણા આપે છે. ગુજરાતના ઇકોસિસ્ટમમાં વરુની શિકાર ટેવ અને તેમની તંદુરસ્ત વસ્તી પર્યાવરણના સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.