વિસાવદર પોસ્ટ ઓફિસમાં સર્વર ડાઉનની સમસ્યાથી ગ્રાહકો ત્રસ્ત
વિસાવદર, અહીંની પોસ્ટ ઓફિસમાં સોમવારના ખુલતા દિવસમાં સર્વર ડાઉન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો, તો જવાબદાર અધિકારી દ્વારા ઉડાઉ જવાબ અપાયો હોવાની રાવ ઉઠી છે.
શહેરના મધ્યમ વર્ગના લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિસાવદર પોસ્ટ ઓફિસ જમા અને બચતના નાણાની લેતી દેતી માટે સુવિધાજનક બની છે પણ પોસ્ટ ઓફિસમાં અવારનવાર સર્વર ડાઉન હોવાના જવાબો આપવામાં આવે છે. અવારનવાર સર્વર ડાઉન હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
આ બાબતે વિસાવદર પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર એસ.ડી. પીઠીયાને પુછતાં તેણે પહેલા સર્વર ડાઉન છે, ચાલુ થશે તો થશે તેવો જવાબ આપ્યો ત્યાર બાદ ફરી પુછતાં પાસવર્ડમાં તકલીફ છે તેમ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. બીજી બાજુ ઓછો સ્ટાફ અને અપડાઉન કરતો સ્ટાફ વહેલો જતો રહે છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠી છે.
હાલ વિસાવદર હેડ પોસ્ટ ઓફિસમાં કુલ પાંચ કર્મચારી ફરજ બજાવે છે જેમાંથી બે કર્મચારી રજા ઉપર છે ત્રણ કર્મચારીથી પોસ્ટઓફિસ ચાલી રહી છે.