Cyber Fraud: સુરતની કંપનીના બેન્ક ખાતામાં ૮ કલાકમાં 90 લાખ જમા થયાઃ 85 લાખ ઉપાડી ગયા
યુપી પોલીસનો ખુલાસો, સુરતમાં ૮ કલાકમાં ૯૦ લાખ જમા થયા-સુરતના ભાડે ચાલતાં 400 બેન્ક ખાતામાં સાઈબર ફ્રોડના 110 કરોડ જમા લેવાયા
સુરત, દેશભરમાં આચરવામાં આવેલા સાઈબર ફ્રોડમાં નાણાં જમા કરાવવા માટે ઉપયોગમાં લેવાતા બેન્ક ખાતા મોટાભાગના સુરતના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એક અંદાજ મુજબ ૪૦૦થી વધુ ભાડાના બેન્ક ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા છે.
સુરત પોલીસની તપાસમાં પણ છેલ્લા દસ મહિનામાં ભાડાના બેન્ક ખાતામાં ૧૧૦ કરોડના વ્યવહારો ખુલ્યા છે. તે જ રીતે યુપી, તામિલનાડુમાં દાખલ થયેલા ગુનાઓમાં પણ સુરતની મોટી મોટી કંપનીઓના બેન્ક ખાતામાં સાઈબર ફ્રોડના લાખો વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. મોટી મોટી બેન્કોની પણ આ કેસમાં સંડોવણી હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.
યુપીના એક ગુનામાં સુરતની કંપનીના બેન્ક ખાતામાં ૮ કલાકમાં ૯૦ લાખ રૂપિયા જમા થયા અને તેટલા જ સમયમાં ૮પ લાખ ઉપાડી લીધાનું બહાર આવ્યું છે. આરોપીઓએ જે એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કર્યા અને ઉપાડયા તે એકાઉન્ટ સુરતની એક પેઢીનું હતું તે એકાઉન્ટમાં ૩ જુલાઈ ર૦ર૪ના રોજ માત્ર ૮ કલાક ૩૭ મિનિટમાં કુલ પ૦ ટ્રાન્ઝેકશન થયા હતા. ૮ કલાક ૩૭ મિનિટમાં એકાઉન્ટમાં ૯૦,રપ,૮૧૦ લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા.