Western Times News

Gujarati News

શેરબજારમાં નફાના નામે સાયબર ફ્રોડ કરતી ગેંગમાં મહિલાઓની સક્રિય ભૂમિકા

શેરબજારમાં રોકાણની ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી 33 લાખ પડાવ્યા

(એજન્સી)અમદાવાદ, ઈન્ટરનેટના જમાનામાં ગઠિયાઓ વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકોના બેન્ક બેલેન્સ ગણતરીના દિવસોમાંખાલી કરી દેતા હોય છે. હાલ શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને લોકોના બેન્ક બેલેન્સ ખાલી કરતી ગેંગ સક્રિય થઈ છે. વોટ્‌સએપમાં શેરબજારની ટિપ્સ આપીને ગેન્ગ લોકોને ફસાવી રહી છે. જેના કારણે સંખ્યાબંધ લોકોતેનો શિકાર બને છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા એક વેપારીએ શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં ૩૩.૩૯ લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વોટ્‌સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની પહેલાં ટિપ્સ આપી અને બાદમાં વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મેમનગર વિસ્તારમાં આવેલા પ્રાંજલ ફલેટમાં રહેતા આગમ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ૩૩.૯૯ લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ કરી છે. આગમ તેના માતા-પિતા અને કાકા સાથે રહે છે અને કોર્પોરેટ યુનિફોર્મ બનાવવાનો તેમજ સપ્લાય કરવાનો ધંધો કરે છે. આગમ શાહ કોટક મહિન્દ્રા બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ધરાવે છે. ૩ નવેમ્બર ર૦૧૧ના રોજ વોટ્‌સએપ ગ્રુપમાં આગમ શાહને એડ કરવામાં આવ્યા હતા.

આ ગ્રુપમાં છ એડમિન હતા. જેમાં મુખ્ય કાવ્યા જોષી નામની વ્યક્તિ હતી. આ વોટ્‌સએપ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરવા માટેની ટિપ્સ આપવામાં આવતી હતી. શરૂઆતના થોડા દિવસમાં આગમ શાહે ગ્રુપમાં આવતી ટિપ્સ મામલે ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

બાદમાં ૧૮ નવેમ્બર ર૦ર૪માં કાવ્યા જોષીએ આગમ શાહના વોટ્‌સએપ પર એક લિંક મોકલી હતી. આ લિંક ઓપન કરીને એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવાનું હતું. આગમ શાહે પ્લેસ્ટોરમાં જઈને પીઆઈએનએફએફ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ આગમ શાહે પાનકાર્ડ અને બેન્ક એકાઉન્ટની વિગતો સબમિટ કરી હતી.

વિગતો સબમિટ થયા બાદ વોટ્‌સએપ ગ્રુપના એડમિન તરફથી શેરબજારમાં રૂપિયા કેવી રીતે રોકાણ કરવા અને કયા શેરમાં રોકાણ કરવા માટે જણાવતા હતા. જેથી તેણે પીઆઈએનએફએફ એપ્લિકેશન વાપરવાની શરૂ કરી હતી. થોડા સમય પછી કાવ્યા જોષી અવારનવાર તેને વોટ્‌સએપ કરીને શેરબજારની ટિપ્સ આપતી હતી. કાવ્યા જોષી પર વિશ્વાસ કરીને આગામ શાહ તેણે આપેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા.

ત્યારબાદ કાવ્યા જોષીએ મેસેજ કરીને જણાવ્યું હતું કે, આઈપીઓમાં રોકાણ કરવાથી વધારે પ્રોફિડ થશે. કાવ્યા જોષી પર વિશ્વાસ કરીને આગમ શાહે વધુ રકમ ડિપોઝિટ કરી હતી. કાવ્યાએ આગમને એપ્લિકેશન મારફતે આઈપીઓમાં રોકાણ કરાવ્યું હતું. એપ્લિકેશનમાં જ્યારે આગમ શાહને ૪૦ લાખ રૂપિયા પ્રોફિટ બતાવ્યો ત્યારે તેણે કેશ વિડ્રો કરવા માટેની કાવ્યા જોષીને વાત કરી હતી.

કાવ્યાએ રૂપિયા વિડ્રો કરવા માટે ૯૭ હજાર રૂપિયા ભરવાની વાત કરી હતી. આગમ શાહે ૯૭ હજાર રૂપિયા ભર્યા બાદ કાવ્યા જોષીએ પ્રોફિટ ટેકસના ૩.ર૧ લાખ રૂપિયા ભર્યા હતા. બાદમાં કાવ્યા જોષીએ જણાવ્યું કે, તમારી ડિપોઝિટ થયેલી રકમ અમને મળી નથી જેથી ફરીથી રૂપિયા ડિપોઝિટ કરવા પડશે. આગમ શાહને શંકા જતાં તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. શેરબજારમાં પ્રોફિટ લેવા માટે આગમ શાહે ૩૩.૩૯ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જે ગઠિયાઓએ ચાઉં કરી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.