સાયબર ઠગોની આ નવી ટ્રિક વિષે જાણી લો
સાયબર ઠગોની આ નવી ટ્રિક એવી છે કે શિકાર બનેલા લોકોને જરાય ભનક પણ પડતી નથી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે
નવું સ્કેમઃ બેંક બેલેન્સ ચેક કરવા PIN નંબર નાખતાં જ પૈસા ઉડી જશે
જ્યારે તમારા એકાઉન્ટમાં કોઈ અજાણી વ્યક્તિ UPI દ્વારા પૈસા મોકલે, ત્યારે તરત જ બેંલેન્સ ચેક ન કરો
નવી દિલ્હી, ભારત હવે ડિજિટલ ઈન્ડિયા બની ગયું છે. ડિજિટલ દુનિયામાં ભારતે મોટો કૂદકો માર્યો છે. એક બાજુ ઓનલાઇન વેપાર, ઈ-કોમર્સ, ઓનલાઈન શિક્ષણ, ઈ-ગવર્નન્સ અને ખાસ કરી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ દેશમાં સાયબર ગુનાઓ પણ સતત વધી રહ્યો છે. ડિજીટલાઈઝેશન વધતા દેશમાં સાયબર ઠગો સુપર એક્ટિવ બની ગયા છે. તેઓ લોકોને ચૂનો લગાડવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે.
ત્યારે આ સાયબર ઠગો ફરીથી UPI યુઝર્સના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે નવી તરકીબ (નવી ટ્રિક) લઈને આવ્યા છે. જેને ‘જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ’ નામ આપવામાં આવ્યું છે.
સાયબર ઠગોનો નવો પેતરો – સાયબર ઠગોની આ નવી ટ્રિક એવી છે કે શિકાર બનેલા લોકોને જરાય ભનક પણ પડતી નથી કે તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. સાયબર ઠગોની નવી ટ્રિક વિશે વાત કરીએ તો સૌથી પહેલા સાયબર ઠગ તેના ‘શિકાર’ના બેંક એકાઉન્ટમાં UPI દ્વારા પૈસા મોકલે છે. તે જાણે છે કે પૈસા જમા થયા હોવાનો મેસેજ આવતા જ મોટાભાગના લોકો તેમનું બેંક બેલેન્સ ચેક કરે છે.
બેંકમાં પૈસા જમા થયા હોવાનો મેસેજ આવ્યા બાદ લોકો બેલેન્સ ચેક કરવા માટે UPI એપ્લિકેશન ખોલે છે, ત્યારબાદ બેલેન્સ ચેક કરવા માટે પિન દાખલ કરે છે, આમ કર્યા બાદ તેમના ખાતામાંથી તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે.
પોલીસે લોકોને એલર્ટ કર્યા – તમિલનાડુ પોલીસે આ કૌભાંડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર પણ આ કૌભાંડની ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી છે. તમિલનાડુ પોલીસનું કહેવું છે કે જો કોઈ અજાણ્યા વ્યક્તિ તમારા ખાતામાં UPI દ્વારા પૈસા મોકલે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.
આ રીતે ખાલી થાય છે ખાતુ – સાયબર ઠગો UPI દ્વારા કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં એક નાની રકમ જમા કરાવે છે. UPI દ્વારા પૈસા મોકલ્યા બાદ ઠગો ફટાફટ તે વ્યક્તિને મોટી રકમ ઉપાડવાની UPI રિક્વેસ્ટ મોકલી દે છે. તેઓ જાણે છે કે પૈસા જમા થયા હોવાનો મેસેજ મળ્યા બાદ આ લોકો તેમનું બેંક બેલેન્સ જરૂર ચેક કરશે.
તેથી પૈસા જમા થયા હોવાનો મેસેજ આવ્યા બાદ જ્યારે આ લોકો UPI એપ ખોલીને બેલેન્સ ચેક કરવા માટે PIN દાખલ કરે છે, ત્યારે ઠગોની પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જાય છે અને પૈસા ટ્રાન્સફર થઈ જાય છે.
કેવી રીતે બચવું? – UPI યુઝર્સ આ સ્કેમથી બે રીતે બચી શકે છે. પહેલી રીત- જ્યારે તમારા એકાઉન્ટમાં કોઈ અજાણી વ્યક્તિ UPI દ્વારા પૈસા મોકલે, ત્યારે તરત જ બેંલેન્સ ચેક ન કરો. થોડીવાર આશરે ૧૫થી ૩૦ મિનિટ સુધી રાહ જુઓ. આમ કરવાથી ઠગો દ્વારા મોકલવામાં આવેલી UPI રિક્વેસ્ટ ઓટોમેટિક એક્સપાયર થઈ જશે. બીજી રીત એ છે તમારે તમારું બેંક બેલેન્સ ચેક કરવું જ છે, તો પહેલીવાર જાણી જોઈને ખોટો પીન દાખલ કરો, આમ કરવાથી પહેલું ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે.