ગુજરાત અને રાજસ્થાનના ૪ આરોપીઓની મહિલા સાથે 55 લાખની છેતરપિંડી બદલ ધરપકડ

રાજકોટ, એક મહિલાએ શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને સાયબર માફિયાઓએ છેતરપિંડી આચરી હતી. સરકાર દ્રારા અનેક જનજાગૃતિ કરવામાં આવે પરંતુ એવા અનેક લોકો છે જેઓ સાયબર માફિયાઓની ચુંગાલમાંથી બચી શકતા નથી.
રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં બીએસએનએલમાં ફરજ બજાવતા બેલાબેન વૈદ્ય નામના મહિલાએ શેરબજારમાં રોકાણની લાલચ આપીને ૫૫ લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુજરાત અને રાજસ્થાનના ૪ શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસે દિનેશ ઉર્ફે સતીષ રાદડિયા,જેનિસ ઉર્ફે રવો ગરણિયા, મુસ્તાક મોહમદ અલી ,લુમબતસિંહ રાવત નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો પર આરોપ છે કરન્ટ ખાતા ખોલાવીને રૂપિયા બારોબાર ઉપાડીને છેતરપિંડી કરવાનો. પોલીસે શેરબજારના નામે છેતરપિંડીના કેસમાં જે એકાઉન્ટમાં ફ્રોડની રકમ હતી તે એકાઉન્ટ નંબરના આધારે આ ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના કહેવા પ્રમાણે મહિલાનો સોશિયલ મિડીયાના આધારે સંપર્ક થયો હતો.શેરબજારની ટિપ્સના આધારે મહિલાએ હ્લઇછય્ઈસ્ઉછરૂ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને વીઆઇપી વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો.જેમાં અલગ અલગ ખાતામાં રૂપિયા નાખવા માટે કહ્યું હતું.
મહિલાએ શરૂઆતમાં રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમાં ૧ લાખ ૯૮ હજાર રૂપિયા જેટલું વળતર પણ મળ્યું હતું જો કે બાદમાં રૂપિયાનું રોકાણ કરતા ગયા અને સાયબર ચાંચિયાઓ લાલચ આપતા ગયા જે આંકડો ૫૫ લાખ રૂપિયા સુધી પહોંચી જતા રૂપિયા પરત આપવાનું બંધ કરી દેતા પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલા જે ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા આ શખ્સો તુરંત જ ખાતામાંથી રૂપિયા ઉપાડીને પોતાનું કમિશન મેળવીને બાકીની રકમનું આંગણીયું કરી દેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ છેતરપિંડીના તાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોડાયેલા છે અને પાંચ રાજ્યોમાં આ રૂપિયાની લેતીદેતી થતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના કહેવા પ્રમાણે આ કૌંભાડમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી શક્્યતા છે. હાલ પોલીસે આ કેસમાં ચાર શખ્સોને પકડી પાડ્યા છે.હજુ અનેક શખ્સોની ધરપકડ થઇ શકે છે પરંતુ સાયબર ચાંચિયાઓના મૂળ સુધી પહોચવું પોલીસ માટે પણ મુશ્કેલ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા લેભાગુ તત્વોથી સાવચેત રહે.જેથી તમે પણ આ સાયબર ચાંચિયાઓના શિકાર ન બનો.