સાઈબર ક્રાઈમે ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વોટ્સએપ પર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા મેસેજનો મામલો
અમદાવાદ, અમદાવાદમાં એક યુવાનને વોટ્સએપ ગ્રુપમાં ખોટો મેસેજ મોકલવો ભારે પડ્યો છે. આ યુવાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારે ગ્રુપમાં મેસેજ મોકલ્યો હતો. આ અંગે અમદાવાદના સાઈબર ક્રાઈમે, વાસ્તવિકતાથી જાેજનો દુર એવા ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં આજકાલ, કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિનાના અવનવા મેસેજ આવતા રહે છે. આવો જ એક મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મોકલવો અમદાવાદના યુવાનને ભારે પડ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં તથ્યતા ચકાસ્યા વિના ખોટો અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવો મેસેજ મોકલવા બદલ, અમદાવાદ સાઈબર ક્રાઈમ સેલે એક યુવાન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, બ્રેકિંગ ન્યૂઝ નામના એક વોટ્સએપ ગ્રુપમાં, એક યુવાને ખોટો મેસેજ મોકલ્યો હતો. જેમા તેણે જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં પથ્થરમારો અને આગચંપી થઈ છે. આવી કોઈ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બની ના હોવા છતા
મેસેજ કરનાર સામે સાઈબર ક્રાઈમ બ્રાંચે કેસ નોંધીને બ્રેકિંગ ન્યૂઝ નામના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલનાર આગમ શાહની અટકાયત કરી હતી.સાઈબર ક્રાઈમે, આગમ શાહ સામે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારની કામગીરી કરી હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.