રવિવારે ફૂંકાયેલા વાવાઝોડાની તીવ્રતામાં હાઈવે પર ગાડીઓ “વાયબ્રેટ” થવા લાગી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, રવિવારના રોજ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે એક તરફ વૃક્ષોનો સોથ વળી ગયો છે તો બીજી તરફ વાવાઝોડાની તીવ્રતાનો અનુભવ નાગરિકોને થયો હતો. પ્રહલાદનગર, જાેધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝાડ પડી ગયા હતા. પરંતુ હાઈવે પર જઈ રહેલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સારંગપુર-બોટાદ હાઈવેના માર્ગે ફુંકાયેલા વાવાઝોડાની તીવ્રતા એટલી બધી હતી કે લોકો રસ્તા પર ગાડીઓ પાર્ક કરીને ઉભા રહી ગયા હતા. ભાજપના એક અગ્રણીના જણાવ્યા અનુસાર પવનની ઝડપ એટલી બધી હતી કે વાહન ચાલકોને તો ફરજીયાત ઉભા રહી જવુ પડયું હતું. ફોર-વ્હીલર્સ નાની ગાડીઓમાં તો વાયબ્રેશન આવતુ હતુ
ગાડીઓ હાલકડોલક થતી હતી જેને પરિણામે લોકો ગભરાઈ ગયા હતા. પવનની તીવ્રતાને જાેઈને મુસાફરોએ પોતાના વાહનો ઉભા રાખ્યા હતા ત્યાર પછી મોટાવાહનની પાછળ નાના વાહનો જાેડાયા હતા.
છેવટે લોકો ગાડી પાર્ક કરીને રેસ્ટોરન્ટ અગર તો પાકા મકાનોમાં જતા રહયા હતા. વાવાઝોડુ નબળુ પડયા પછી હાઈવે પર ફસાયેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આશ્ચર્યની વાત છે કે હોટલની આગળ પાર્ક કરેલી ગાડીઓ પણ પવનના સુસવાટા વચ્ચે વાયબ્રેટ થતી હતી. આવી પરિસ્થિતિ ખૂબ ઓછી જાેવા મળતી હોય છે.