Western Times News

Gujarati News

આ ચક્રવાતના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

અમદાવાદ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના કારણે દક્ષિણ ભારતના કેટલાય રાજ્યમાં હવામાન પલટાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડી પરનો પ્રેશર એરિયા હાલ ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયો છે અને હવે તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે.

આ ચક્રવાતને ફેંગલ નામ આપવામાં આવ્યું છે. ચક્રવાત ફેંગલની અસર ગુજરાતમાં પણ જોવા મળશે તેવી કેટલાક હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ચક્રવાતની અસરના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોનું હવામાન એકાએક પલટાશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર પણ વધશે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા વેધર રિપોર્ટ પર એક નજર કરીએ તો મોટા ભાગના શહેરોનું લઘુતમ તાપમાન ર૦ ડિગ્રીથી નીચે ગગડયું છે. ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. આજે સવારે કચ્છના નલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આજે સવારે ૧૬.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

શહેરના અન્ય મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો એરપોર્ટ પર ૧૬.પ ડિગ્રી, આંબલી-બોપલ રોડ પર ૧પ.૮ ડિગ્રી, ચાંદખેડામાં ૧૭.૮ ડિગ્રી, નવરંગપુરામાં ૧૬.૮ ડિગ્રી, પીરાણામાં ૧પ.૭ ડિગ્રી, રાયખડમાં ૧૬.૪ ડિગ્રી, રખિયાલમાં ૧૬.૭ ડિગ્રી અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગઈકાલે ૩ર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી શુક્રવારથી શહેરમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવાનું શરૂ થશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદીઓને દિવસે અનુભવાતી ગરમીથી થોડી રાહત મળશે.

આગામી સાત દિવસ સુધી શહેરમાં મહદઅંશે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. કેટલાક હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે ચક્રવાત ફેંગલ જેમ જેમ મજબૂત બનતો જશે તેમ તેમ રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે.

વેસ્ટર્ન ડિસટર્બન્સ સક્રિય થતાં રાજ્યભરમાં ઠંડકનો ઓનુભવ થશે. આગામી તા.ર ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત ઉદ્‌ભવવાની પણ સંભાવના છે. જો આમ થયું તો ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં એટલે કે, ૧પથી ૧૭ ડિસેમ્બર અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં આગાહી કરતાં જણાવ્યું છે કે,

રર ડિસેમ્બરથી ભારતના મોટાભાગના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. આ હિમવર્ષાના કારણે ર૮ ડિસેમ્બરથી ગુજરાતભરમાં હાડ થિજાવતી ઠંડી પડશે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના પહાડો પર હિમવર્ષાનું જોર વધશે. તેનાથી ગુજરાત પરથી ફૂંકાતા પવન ઠંડાગાર બનશે.

સ્થાનિક હવામાન વિભાગના વેધર રિપોર્ટ અનુસાર આજે સવારે અમરેલીમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં ૧૬.ર ડિગ્રી, ભૂજમાં ૧૮.ર ડિગ્રી, દમણમાં ૧૭.૪ ડિગ્રી, ડીસામાં ૧૬.પ ડિગ્રી, દ્વારકામાં ર૦.૪ ડિગ્રી, કંડલામાં ૧૯.૩ ડિગ્રી, ઓખામાં ર૧.૬ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.પ ડિગ્રી, રાજકોટમાં ૧પ.ર ડિગ્રી, સુરતમાં ર૦.૩ ડિગ્રી અને વેરાવળમાં ર૦.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.