DA-IICTનો 16મો પદવીદાન સમારોહ યોજાયો
ગાંધીનગર, ધિરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (ડીએ-આઇઆઇસીટી)નો 16મો પદવીદાન સમારોહ 18 જાન્યુઆરી 2020ના શનિવારના રોજ ડીએ-આઇઆઇસીટી કેમ્પસ ગાંધીનગરમાં યોજાયો હતો, જેમાં 475 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. આમાં 8 પીએચડી સ્કોલર્સ સામેલ છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નીચેના વિદ્યાર્થીઓને પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ એનાયત કરાયાં હતાં.
(1) શુભમ ડી અન્નાદાતે, બીટેક (આઇસીટી)
(2) આગમ અલ્કેશકુમાર શાહ, બીટેક (ઓનર્સ) આઇસીટી સાથે માઇનોર સીએસ
(3) શાહ ડિમ્પલ જયેન્દ્રભાઇ, એમટેક (આઇસીટી)
(4) રનાદે અર્ચન ચંદ્રશેખર, એમએસસી (આઇટી)
ભારત સરકારના નીતિ આયોગના સભ્ય ડો. વિજય કુમાર સારસ્વત પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની કારકિર્દીમાં તેઓ વિજ્ઞાનીથી લઇને સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર, ડીઆરડીઓના ડાયરેક્ટરથી લઇને ડાયરેક્ટર જનરલ, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આરએન્ડડીના સેક્રેટરી રહેવા સાથે ડો. સારસ્વતે લિક્વિડ પ્રોપલ્શન રોકેડ એન્જિન તેમજ સ્વદેશી પૃથ્વી, ધનુષ, પ્રહાલ મિસાઇલ વિકસાવવામાં યોગદાન આપ્યું છે.
તેઓ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામના મુખ્ય શિલ્પી છે, જેમાં ઘણી મોટી તકનીકી પ્રગતિ સામેલ છે. એક્ઝો અને એન્ડો વાતાવરણમાં ઇનકમીંગ ટાર્ગેટ બેલેસ્ટિક મિસાઇલના સફળ ઇન્ટરસેપ્શન તેમના સમર્પિત પ્રયાસો અને મર્યાદિત તકનીકી સ્રોતોના મહત્તમ ઉપયોગનો પુરાવો છે. આ સાથે ભારતે બીએમડી સિસ્ટમ્સ વિકસાવવાની ક્ષમતા ધરાવતા જૂજ દેશોની હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે.
ડો. સારસ્તવે અગ્નિ-5, શૌર્યના સફળ ટેસ્ટ ફાયરિંગ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માટે પ્રારંભિક ઓપરેશનલ ક્લિઅરન્સ અને આઇએનએસ અરિહંતને સામેલ કરવા સાથે વ્યૂહાત્મક સંરક્ષણમાં નવા પરિમાણો ઉમેર્યાં છે. આથી આજે દેશ વિવિધ સ્ટ્રાઇક રેન્જ સાથે વિશ્વમાં કોઇપણ જગ્યાએ ન્યુક્લિઅર ક્ષમતા ધરાવતી મિસાઇલ મોકલી શકે છે. તેમના નેતૃત્વ હેઠળ ડીઆરડીઓએ સોલર પાવર્ડ મોડ્યુઅલર ગ્રીન શેલ્ટર્સ, બાયો-ડાઇજેસ્ટર્સ, આહાર પ્રોગ્રામ, એક્સપ્લોઝિવ ડિટેક્શન કીટ, ડેંગ્યુ અને ચિકનગુનિયા વગેરે માટે ડાયગ્નોસ્ટિક યુનિટ જેવા સામાજિક લાભો પ્રદાન કરતી ટેક્નોલોજી વિકસાવી છે.
ડો. સારસ્વતના પ્રયાસોને કારણે આઇઆઇટી મદ્રાસમાં રિસર્ચ એન્ડ ઇનોવેટિવ સેન્ટરની સ્થાપના, સશસ્ત્ર દળોની વિજ્ઞાન અને તકનીક માટેની તાલીમની જરૂરિયાતો માટે એમઆઇએલઆઇટી – સેન્ટર ફોર ટ્રેનિંગ, ઇન્ફર્મેશન સિક્યુરિટી ઇન્સિડન્ટ્સના રિપોર્ટિંગ, ઓડિટિંગ અને આપાતકાલીન રિસ્પોન્સ માટે સીઇઆરટીની સ્થઆપના, ચેસ – હાઇ એનર્જી લેસર એન્ડ માઇક્રોવેવ ડિવાઇસિસ માટે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી, કિર્ગિસ્તાનમાં કિર્ગી-ઇન્ડિયન માઉન્ટેન બાયો-મેડિકલ રિસર્ચ સેન્ટર, હૈદરાબાદમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એરોસ્પેસ એસઇઝેડ, બેંગ્લોર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ખાતે એડવાન્સ્ડ કમ્બસ્ટન રિસર્ચ સેન્ટર્સની સ્થાપનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ડો. સારસ્વત ડીએઇ હોમીભાભા ચેર હતાં અને તેમણે દેશમાં વિવિધ ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં બાયો-માસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ફ્યુઅલ સેલ, કોન્સન્ટ્રેટેડ સોલર પાવર, મલ્ટી જંક્શન ફોટોવોલ્ટિક સેલ્સ, ક્લિન કોલ ટેક્નોલોજી વગેરે જેવા એનર્જી સિક્યુરિટી માટે ટેક્નોલોજી વિકસાવવામાં પહેલ કરી છે તથા એરોસ્પેસિ મેન્યુફેક્ચરિંગને નવું પરિમાણ ઉમેર્યું છે. ડો. સારસ્વતે પોતાના વક્તવ્યમાં ગ્રેજ્યુએટ થતાં વિદ્યાર્થીઓ માટે ‘વિઝન ઓફ ડિજિટલ ઇન્ડિયા ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ’ વિષય પસંદ કર્યો હતો.