ગાંધીનગરમાં DA-IICT એ ૧૮મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો
(પ્રતિનિધિ) ગાંધીનગર, ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (DA-IICT) એ આજે તેના ગાંધીનગરમાં આવેલ રમણીય કેમ્પસમાં યોજાયેલા ૧૮મા દીક્ષાંત સમારોહ સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું. આ ભવ્ય સાંજના પ્રતિષ્ઠિત મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર બ્રિજ કોઠારી, જાણીતા સામાજિક ઉદ્યોગસાહસિક હતા, જેમને સામૂહિક સાક્ષરતા વધારવાના હેતુથી તેમની સરળ શોધ ‘સેમ લેંગ્વેજ સબટાઇટલિંગ’ માટે વૈશ્વિક સ્તરે પ્રસંશિત બનાવ્યા છે.
DA-IICTબોર્ડના આદરણીય સભ્ય એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિએ સમારોહનું અધ્યક્ષપદ સંભાળ્યું અન્ય બોર્ડ સભ્યો, પ્રોફેસર તથાગત બંદ્યોપાધ્યાય (ડિરેક્ટર, DA-IICT), ડીન, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય આદરણીય મહેમાનો આ સમારંભમાં જોડાયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર તથાગત બંદ્યોપાધ્યાયના નેતૃત્વ હેઠળની એક મનમોહક શોભાયાત્રા સાથે થઈ હતી, જેમાં મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને સંસ્થાના નવ વિવિધ કાર્યક્રમોમાંથી સ્નાતક થયેલા દીક્ષાંત સમારોહના ખાસ પોશાક સાથેના વિદ્યાર્થીઓ જોડાયા હતા. શોભાયાત્રાના પ્રવેશ સાથે જ ઓપન-એર થિયેટર આ ભવ્ય પ્રસંગને વધાવવા માટે હર્ષોલ્લાસ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું.
વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા પ્રાર્થના કર્યા બાદ, એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિએ ૧૮મા દીક્ષાંત સમારોહની શરૂઆત કરી. પ્રોફેસર તથાગત બંદ્યોપાધ્યાયે અતિથિઓનું સ્વાગત કર્યું અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો, જેમાં ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓને જાહેર કરવામાં આવી. તેમણે DA-IICTની પ્રગતિની વિગતો શેર કરી અને ભાવિ નેતાઓને તૈયાર કરવાની અને તકનીકી પ્રગતિમાં યોગદાન આપવા ઉપરની તેની ભૂમિકા ઉપર ભાર મૂક્યો.
પ્રોફેસર બ્રિજ કોઠારી દ્વારા તેમનું દીક્ષાંત સંબોધન તેમની પરિવર્તનશીલ શોધ, જીન્જી અને સામૂહિક સાક્ષરતા ઉપરના તેના પ્રભાવ બાબતે સમજણ સાથે ‘શિક્ષણ, નિર્મળતા અને હેતુ’ ઉપર કેન્દ્રિત હતું. સ્નાતક વર્ગને સંબોધતા, પ્રોફેસર કોઠારીએ તેમને વ્યક્તિગત સીમાઓથી આગળ વધીને નવા સંશોધનો, જે માનવતા પર સકારાત્મક પ્રભાવ પાડી શકે તે માટેનો આગ્રહ કર્યો.
તેમણે શિક્ષણ અને મૂલ્યોના સંયોજન ઉપર ખાસ ભાર મૂક્યો, તેમણે એ પણ આશા વ્યક્ત કરી કે DA-IICTખાતેનો વિદ્યાર્થીઓનો સમય તેમના જીવનને ઉત્કૃષ્ઠ રીતે આકાર આપી શકશે. આ સાંજે દરેક કાર્યક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓ (શૈક્ષણિક ટોપર્સ)ને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને ધ્યાને રાખીને પ્રેસિડેંટ સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા.