ડભોડા પોલીસ મથકમાં ચિક્કાર દારૂ ઢીંચીને પહોંચેલા ઈસમની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Daru-1.jpg)
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના વડોદરા ગામના એક ઈસમને દારૂ પીને ધાક ધમકી આપવા સબબની અરજીની તપાસ અર્થે ડભોડા પોલીસ મથકમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે દારૂના નશામાં ભાન ભૂલેલો ઈસમ લથડિયાં ખાતા ખાતા પોલીસ મથકમાં પહોંચતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં અરવિંદભાઈ પરમારે અરજી આપેલી કે વડોદરા ગામનો કૌશિક હીરાભાઈ પરમાર દારૂ પીધેલી હાલતમાં ગાળો બોલીને ધાક ધમકીઓ આપે છે. જેનાં પગલે આ અરજીની તપાસ અર્થે જમાદાર રજનીભાઈએ ફોન કરીને કૌશિક પરમારને પોલીસ મથકે બોલાવ્યો હતો.
જેનાં પગલે કૌશિક દારૂના નશામાં એટલો ચિક્કાર હતો કે લથડિયાં ખાતા ખાતા ડભોડા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. જેને જાેઈને હાજર પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને ભલભલાના પગ પાછા પડતાં હોય છે.
ત્યારે કૌશિક ચિક્કાર દારૃ પીને પોલીસ મથકમાં પહોંચી ગયો હતો.જેનાં મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. જ્યારે પોલીસે તેની પુછતાછ કરી તો તોતડાતી જીભે જવાબો આપી રહ્યો હતો. અને પોતાના શરીર સ્થિતિનું પણ ભાન રાખી શકતો ન હતો.
જેનાં પગલે પોલીસે ધાક ધમકી આપ્યાની અરજીની તપાસ સાઈડમાં મૂકીને કૌશિકની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરીને પરચો બતાવ્યો હતો. ત્યારે પોલીસની કડકાઈ જાેઈને કૌશિકનો દારૂનો નશો ઉતરી ગયો હતો. આ અંગે પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.