Western Times News

Gujarati News

કોરોના કાળમાં કડવીકાકીનો જુવાન જોધ દીકરો મૃત્યુ પામ્યો અને…

દાદીમાને જીવતે જીવ આપેલું વચન નિભાવવા લખમી એભલના ઘરની લક્ષ્મી બનીને પ્રવેશી

ભલે નામ એનું કડવીકાકી હતું પણ બાઈ મનની મીઠપવાળી હતી. કોરોનાના વહમા કાળમાં જુવાન જોધ દીકરો દિલો મૃત્યુ પામ્યો એની કળ વળે એ પહેલાં દીકરાની વહુએ કટ્ટર વેરી દુલાનું ઘર માંડ્‌યું..એ તો એને પડ્‌યા ઉપર પાટા જેવું લાગ્યું હતું પણ.. નિમાણી પૌત્રી લખમીને જોઈ દાડા કાઢયા વગર છૂટકો નહોતો.

જોકે શરૂ શરૂમાં દિલાની વહુ ભલીએ લખમીને પોતાની હારે લઈ જવા બહું ધમપછાડા કર્યા હતા પણ લખમી કોઈ કાળે દાદીનો હાથ છોડવા તૈયાર નહોતી. કદાચ લખમી એની મા હારે જઈ હોત તો ડોશીએ આબરૂની મારી ક્યારનોય કૂવો હવાડો પૂરી લીધો હોત !

જિંદગીથી અકળાઈને ક્યારેક કડવીકાકી લખમીને કહેતાં ય ખરાં કે.. “મૂઈ કોઈ પૈસાવાળાને ત્યાં જનમી હોત તો હોનાના હિંડોળો ઝૂલતી હોત !”
વળી પાછાં જાતે ને જાતે આશ્વાસન લેતાં કે હશે..એ પણ એનું ભાગ્યું તૂટ્યું નસીબ લઈને આવી હશે બીજું શું? કુદરતના કારમાં ઘા થકી ભલે ઘરને ગરીબાઈ આંટો મારી ગઈ હતી પણ સુંદરતા છૂટ્ટા હાથે વેરાયેલી હતી. કડવીકાકી દેખાવે સુંદર હતાં…એના કરતાં દીકરાની વહુ વધારે દેખાવડી હતી..તો લખમી તો બેય ને ઝાંખા પાડી દે એવી નાગરવેલ જેવી નમણી હતી !

‘દી એ ના વધે એટલી રાત્રે વધતી પૌત્રી ડોશીની અકળામણ વધારી રહી હતી.એમાં એક વાર રાત્રે સૂતી વખતે વાર્તા પૂરી કરી દાદી ને પૌત્રી સૂવાની તૈયારી કરતાં હતાં ત્યારે લખમી બોલી..”માડી એક વાત કહું?”

‘હા, કહેને બેટા…’ ‘આ તું વાતે વાતે મારા લગનની વાત કરે છે ને એ મને નથી ગમતું.’
“બેટા, દીકરી પારકું ધન કહેવાય.આજે નહિ તો કાલે લગન તો કરવું જ પડશે ને?”
“દીકરી ભલે પારકું ધન કહેવાતું હશે પણ મારે નથી પરણવું બસ..”

દીકરીના શબ્દો કડવીકાકીના હૃદયને આરપાર વીંધી નીકળી ગયા.જોકે હજી તે નાની છે એટલે નાદાન છે .જેમ જેમ મોટી થશે એમ એના ય અરમાન જાગશે.એમ સમજી એમણે પૂછ્યું..”બેટા,તારે કેમ પરણવું નથી?”

તો દીકરી વળતો જવાબ આપતાં બોલી…તને કાંધ દેવા વાળો મારો બાપ આગળ ચાલ્યો ગયો.તારી ઘડપણની લાકડી બને એવી માએ બીજું ઘર માંડ્‌યું..ને હું ય તને છોડીને જતી રહું તો…આ દુનિયામાં તારું કોણ? આટલું બોલતાં તો તેની આંખ ભરાઈ આવી..કડવીકાકી નાનકડી દીકરીની સમજણ પર વારી જતાં…એ પણ રડી પડ્‌યાં.
વાદળી સાલ્લાના છેડે આંસુ લૂછતાં બોલ્યાં..”ભલે બેટા,હવે તારા લગનની વાત નહિ કરું બસ..”

નાનપણમાં જ દાદીમાએ એને એવી રીતે તૈયાર કરવાની શરૂ કરી દીધી કે..દુનિયાભરનું ડહાપણ એણે પોતાની નાનકડી દુનિયામાં સમાવી લીધું.હવે તો લખમી સૌદર્ય, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ બની ચૂકી હતી.લખમીના રૂપરંગની વસંત પૂર્ણપણે ખીલી હતી.

રસ્તે આવતાં જતાં ક્યારેક એને મૂકીને ગયેલી મા પરબારા ફળિયે રહીને પૂછતી કે..”અલી, બાએ તારા માટે કોઈ મૂરતિયો જોયો કે નહિ?” હવે તો એ…ભલે પૂછનાર જનમ દેનારી મા હતી ને એણે એનો ખોળો ખૂંધ્યો હતો પણ તેને ય રોકડો જવાબ પરખાવી દેવામાં પાછવાળ નહોતી કરતી.કાકી મારી ચિંતા નો કરો, હજી તો ઘણી વાર છે મારે પરણવાને.

ભલે કડવીકાકીની આંખોએ ધીમે ધીમે રોશની ગુમાવવાનું શરૂ કર્યું હતું..પગે સાથ આપવાનું છોડ્‌યું હતું…પણ સવાયા જુસ્સા સાથે ઠાવકી બનીને કામ કરતી લખમીએ તેમના મનોબળને લેશમાત્ર મોળું પડવા દીધું નહોતું. શરૂઆતના વસમાં વર્ષો પછી લખમીના જનમ પછી ધીમે ધીમે ખેતીવાડીમાં બરકત આવી હતી.ખંતિલો જેઠનો દીકરો વિરમ લાગણીશીલ હતો.કડવી કાકીની સાડા સાત વીઘા જમીન લાગ ભાગે વાવી આપતો હતો. ભણેગણ્યે હોંશિયાર હોવા છતાં લખમી હાત ચોપડી સુધી જ ભણી સીધી ઘરકામમાં જોતરાઈ ગઈ હતી. સમજણ આવ્યા પછી લખમીએ કડવીકાકીની દીકરાની ગરજ ભાંગી હતી ! પણ આ કડવીકાકી હવે ખાટલે પડ્‌યાં ! સાતેક દિવસની ટૂંકી માંદગી પછી કડવીકાકીએ ફાની દુનિયા છોડી દીધી.

હા, મરતાં પહેલાં કડવી કાકીએ લખમી પાસે છેલ્લે છેલ્લે એક વચન માંગ્યું હતું..ને લખમીએ હરખભેર વચન આપ્યું પણ હતું.”જો બેટા,ભલે મારી હયાતી છે ત્યાં સુધી તેં લગન ના કર્યું પણ જેવી હું મરી જાઉં એ ભેળી તને ગમતા મુરતિયા સાથે પરણી જજે..યુવાન વયે વિધવા બન્યા પછી સમાજની માન-મરજાદ જાળવવા ભલે મેં બીજું લગન નહોતું કર્યું..પણ એ મારી ભૂલ હતી..જુવાની જીરવવી ખૂબ અઘરી છે.. તું તો કુંવારી છે..

મારા જેવી ભૂલ તું ના કરતી !! દાદીમાને જીવતે જીવ આપેલું વચન નિભાવવા લખમી એભલના ઘરની લક્ષ્મી બનીને પ્રવેશી ત્યારે પેલા શબ્દો હજીય તેના કાનમાં ગુંજી રહ્યા હતા..”બેટા,જુવાની જીરવવી ખૂબ અઘરી છે..મારા જેવી ભૂલ તું ના કરતી !!” લખમી આજે બેજીવી બની હતી, એની આંખોમાં ખુશીના આંસુ હતાં. મનોમન એ બબડી, નક્કી મારી માની માના આશીર્વાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.