દહેગામ શહેર-તાલુકા ભાજપના નવા પ્રમુખોની નિમણૂક કરાઈ
દહેગામ, કેન્દ્રીય ચૂંટણી માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથપ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સમિતિ સંવાદ કરી સકારાત્મકતા સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા તેમજ દહેગામના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
દહેગામ શહેર સંગઠનના નવા પ્રમુખ તરીકે ભાજપના ઉપપ્રમુખ અને પીઠ કાર્યકર અને વર્ષોથી જેમને ફરજ નિષ્ઠાથી દરેક નાના મોટા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચારપ્રસાર અને સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચનાર યુવા ગોપાલભાઈ સી બારોટ તથા શહેર ભાજપ તાલુકા પ્રમુખ તરીકે પાલૈયા ગામના કેતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
દહેગામ શહેર ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે ગાંધીનગર જિલ્લા મહામંત્રી રમણભાઈ દેસાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે દહેગામ શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતી સાથે ગત ટર્મના માજી પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્માએ નવા પ્રમુખ ગોપાલભાઈ બારોટ તથા તાલુકા પ્રમુખ કેતનભાઈ પટેલનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, ભૂતપૂર્વ પ્રમુખ અમરીશભાઈ બારોટ, ઉપપ્રમુખો ભાવેશભાઈ સઠીયા, વિજયભાઈ શાહ, કોર્પોરેટરો શશીકાંતભાઈ અમીન, વિપુલભાઈ શાહ, નિકુલભાઈ બારોટ અને અન્ય કોર્પોરેટરોએ નૂતન વરણી પામેલા પ્રમુખોને પુષ્પગુચ્છ આપી નવાજ્યા હતા અને અભિનંદન આપ્યા હતા.
ઉપરોકત બંને મંડળોના પ્રમુખ યુવા અને લોકપ્રિય સામાન્ય કાર્યકર સાથે જોડાયેલો હોવાથી ભાજપ તાલુકા અને શહેરમાં આનંદની લાગણી પ્રસરી છે.