દહેગામમાં ખાદી ભંડારથી CSC કેન્દ્ર સુધી દબાણો દૂર કરાશે

પ્રતિકાત્મક
દહેગામ નગરપાલિકાની વિકાસલક્ષી મળેલી સામાન્ય સભામાં આંતકી હુમલામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પળાયુ
ગાંધીનગર, દહેગામ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના કચેરીના સભાખંડમાં તા.૩૦.૪.રપને બુધવારે સવારે ૧૧ કલાકે મળી હતી. સભાની કાર્યવાહી શરૂ કરતાં પહેલા પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં તથા નગરપાલિકાના સદસ્ય કાજલબેન પટેલના ભાઈનું તથા માજી સદસ્ય મનીષભાઈ પટેલ તથા નામી અનામી લોકોના થયેલા અવસાન માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સભાની શરૂઆતમાં જ ૩૦.૧.ર૦રપની સામાન્ય સભાના ઠરાવોની કાર્યવાહી નોંધ વંચાણે લઈ તેને બહાલી આપવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો જે સર્વનામતે મંજુર બહુમતીથી પસાર કરી પ્રમુખ તથા ચીફ ઓફિસરને સત્તા આપવામાં આવી હતી. સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ પ્રમુખે કરેલા હુકમો વંચાણમાં લઈ બહાલી આપવામાં આવી હતી.
કારોબારી સમિતિ તથા અન્ય સમિતિની કાર્યવાહી નોંધ લઈ વંચાણે લેવામાં આવી હતી. આ ઉપરાંત વિકાસના કામો માટે આવેલી ગ્રાન્ટ અંગેનો નિર્ણય કરવા બાબતે ચર્ચા કરવામાં આવી. આવેલા પરિપત્રો તથા નોંધ લઈ નિર્ણય કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ એડની કચેરી ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવેલી લઘુત્તમ મહેકમ સ્વીકારવા બાબતે આજે મંજુરશ્રીની મહોર લાગી હતી. દહેગામ નગરપાલિકા કચેરીનું લઘુત્તમ મેકમ મંજૂર થયેલ હોય
તે અનુસાર ભરતી બઢતીની સેવાની શરતો માટેના નિયમ ર૦રપ મંજૂર કરવા બાબતે તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તા.૪.૯.ર૦૧ર તથા પ.૧૧.૧૮ થી થયેલી જોગવાઈઓ મુજબ પસંદગી સમિતિની રચના કરવા બાબતે તેમજ પ્રમુખ સ્થાનેથી અન્ય મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.
આજની સભામાં ખાદી ભંડારથી લઈ સીએસસી કેન્દ્ર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે જે માટે પોલીસ બંદોબસ્ત માગી લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની માપણી શરૂ થઈ આ દબાણો હટાવવામાં આવશે. આજની સભામાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી ચીફ ઓફિસર ઉમાબેન રામીણા તથા સદસ્યોહાજર રહ્યા હતા.