ચડ્ડી બનિયાન ગેંગનો વધતો આતંક, દહેગામ પોલીસે તપાસ હાથ ધરી
દહેગામ નજીકની કંપનીમાંથી તસ્કરો રર લાખ ચોરીને પલાયન
ગાંધીનગર, દહેગામ નજીકની કંપનીમાં રૂ.રર લાખની રોકડની ચોરી થઈ હોવાનો બનાવ દહેગામ પોલીસ મથકમાં નોંધાયો છે. પંથકમાં ઘણા સમયથી ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વધી રહ્યો હોવાથી લોકોમાં ભય પ્રવર્તે છે.
દહેગામના મોટા જલુન્દ્રા ગામન સીમમાં આવેલી કોસ્મેટિકક પ્રોડકટ કંપની પંકજભાઈ ભાનુશાળી (નંદનબાગ ફાર્મ હાઉસ, દહેગામ નરોડા રિંગરોડ સર્કલ પાસે) ચલાવે છે. આ કંપનીમાં ૩પ માણસો કામ કરે છે. કંપનીમાં કામનો વધુ લોડ હોવાથી કોઈક દિવસ રાતના ૮થી સવારે ૮ સુધી કામ ચાલુ હોય છે. ગત તા.૧૧ જુલાઈની રાત્રે પણ કંપની ચોવીસ કલાક ચાલુ હતી.
જો કે, ૧૧મી જુલાઈએ પંકજભાઈના પિતાની આંખના મોતિયાનું ઓપરેશન હોવાથી તેઓ કંપનીમાં ગયા ન હતા. સવારે સિકયોરિટી ગાર્ડે ફોન કરીને ચોર આવ્યાની જાણ કરતાં તેઓ કંપની પર પહોંચ્યા હતા. જ્યાં પહેલાં માળે આવેલી તેમની ઓફિસમાં ટેબલના ખાના ખુલ્લા હતા અને તેનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. જ્યારે ટેબલના ખાનામાં જોતા કપડાના થેલામાં અને એક કાપડની થેલીમાં મૂકેલ કુલ રૂપિયા રર,૦૮,૯૩૦ની રકડ રકમ ચોરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
પંકજભાઈએ સીસીટીવી ચેક કરતાં મોડી રાત્રે ચાર ચડ્ડી બનિયાનધારી શખ્સો કંપનીની ઓફિસમાં ઘૂસ્યા હતા અને ર.પ૯ મિનિટે રૂપિયા ભરેલી થેલો લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા. માત્ર પાંચેક મિનિટના ગાળામાં ગેંગે રોકડ રકમની ચોરીને અંજામ આપતાં પંકજભાઈએ પોલીસને જાણ કરી હતી જેના પગલે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.