દહેગામનાં રણાસણના ચંપાબેન રાઠોડ બ્રેઈન ડેડ થયાંઃ અંગદાનથી ૪ જરુરિયાતમંદોને નવજીવન મળશે

ચંપાબેનના હ્રદયને અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં તેમજ બે કિડની અને એક લીવરને સિવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે
ચંપાબેન બ્રેઇન ડેડ થતા પતિ તેમજ બાળકોએ અંગદાનનો ઉમદા નિર્ણય કર્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ૧૭૭ મુ અંગદાન થયું. આ અંગદાનની વિગતો જોઈએ તો , દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડ તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ રોજીંદા મજુરી કામે જતા બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ માં સઘન સારવાર દરમિયાન તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ ડૉક્ટરોએ ચંપાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલ ના ડૉક્ટરોની ટીમે ચંપાબેન રાઠોડ ના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપી અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મ્રુત્યુ પામેલુ જ હોઇ આવી પરિસ્થિતીમા ચંપાબેન ફરીથી બેઠા થઇ શકે તેમ ન હોઈ ચંપાબેનના અંગોના દાન વિશે સમજાવ્યું.
તેમના પતિ સનાજી તેમજ બે દિકરા રોહીતભાઇ અને દિપકભાઇ એ પરોપકાર ભાવ સાથે ઇશ્વર ને ગમ્યુ તે ખરુ તેમ સમજી ડોકટરોએ સમજાવ્યા પ્રમાણે અંગો ના દાન થકી બીજા જરુરીયાતમંદની જીંદગી બચાવવાનો પરોપકારી ર્નિણય લીધો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭૬ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૫૮ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ એક હ્રદય અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં તેમજ બે કિડની અને એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૨૦ કિડની, લીવર -૧૫૪, ૫૪ હ્રદય ,૩૦ ફેફસા , ૧૦ સ્વાદુપિંડ , બે નાના આંતરડા, ૬ હાથ, પાંચ સ્કીન અને ૧૧૮ આંખોનું દાન મળ્યું છે