જૂની અદાવતે દહેગામ તાલુકા BJPના પૂર્વ પ્રમુખ પર કાર ચઢાવી કચડી દેવાનો પ્રયાસ
ગાંધીનગર, ગુનેગારોની વધી રહેલી હિંમતના પગલે રાજકીય અગ્રણીઓના જીવ પણ હવે સલામત ન હોય તેવો કિસ્સો દહેગામમાં બન્યો છે. દહેગામ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઘરના ઝાંપા નજીક ઉભા હતા ત્યારે માથાભારે ઈસમોએ પુરપાટ ઝડપે કાર દોડાવી તેમને કચડી નાખવા પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં ભાજપના અગ્રણીને માથામાં હેમરેજ થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયારે તેમની સાથે ઉભેલા અન્ય એક યુવાનને ઈજા પહોંચી છે. આ હુમલો જુની અદાવતમાં થયો હોવાનું પરિવારજનો માને છે, જેમાં રાજકીય દ્વેષભાવ ઉપરાંત વ્યવસાયિક મનદુઃખ જવાબદાર હોવાનું મનાય છે.
ફરિયાદ મુજબ દહેગામના બારોટના મોસમપુરા ખાતે સંયુકત પરિવારમાં રહે છે. મંગળવારે રાત્રે ૭.૩૦ના અરસામાં ફરિયાદી તથા તેમના સસરા મનુભાઈ ઘરના ઝાંપા પાસે ઉભા હતા. તે વખતે તેમના કુટુંબી અંકિત ગોવિંદભાઈ બારોટ તથા રાહુલ કાળીદાસ બારોટ ઘર પાસી આવીને ઉભા હતા. દરમિયાન ગામના ભૂમિત ભીખાભાઈ બારોટ તેમની સ્વિફઠટ કાર લઈને ગામ તરફ ગયા હતા ત્યારબાદ તુરત જ પોતાની ગાડી ઝડપથી ચલાવીને સસરા મનુભાઈ પર ચડાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. સસરા મનુભાઈ બારોટ કારની અડફેટે નીચે પડી ગયા હતા.
ભૂમિતે પોતાની કારથી ફરિયાદીની કારને પાછળના ભાગે ટકકર મારી હતી ત્યારબાદ કારને રિવર્સ લઈને ફરિયાદીને મારી નાખવાના ઈરાદે અંકિતભાઈને અડફેટે લીધા હતા. અંકિતભાઈ નીચે પડી ગયા બાદ ઘર નજીક પડેલી ફરિયાદીના કુટુંબીની કારને પાછળના ભાગે ટકકર મારી હતી. વિભૂતિબેને બૂમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્ય્ હતા.
મનુભાઈ તથા અંકિતભાઈ બંને બેભાન થઈ ગયા હોવાથી તેમને ઉચકીને ઘરમાં લઈ જતા હતા ત્યારે ભૂમિતના પિતા ભીખાભાઈ મણિભાઈ બારોટ એક્ટિવા લઈને આવ્યા હતા ભીખાભાઈ તથા ભૂમિતે ગાળો બોલીને ગામમાં સરપંચની ચૂંટણી થવા દેતા નથી અને સમરસ સરપંચ બનાવે છે તેમ કહી ગાળો બોલી ધમકી આપી હતી. વિભૂતિબેને ગાળો નહીં બોલવાનું કહેતા ભૂમિત ઉશ્કેરાઈ ગયો હતો
અને કાર પુરપાટ ઝડપે ચલાવી તેમને ટકકર મારવા પ્રયાસ કર્યો હતો. વિભૂતિબેને ખસી ગયા હતા અને એક્ટિવા સાથે કાર અથડાઈ હતી ત્યારબાદ ભૂમિત અને ભીખાભાઈ નાસી ગયા હતા
અને ગામમાં ચૂંટણી નહીં થવા દો તો આવા હાલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મનુભાઈના દીકરા વિપુલભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ હુમલાના મૂળમાં જૂની અદાવત પહેલેથી હતી જ અને તેમાં સરપંચની ચૂંટણીનો મુદ્દો ઉમેરાયો હતો. હુમલો કરનારા પાંચ જણા હતા દહેગામના કુખ્યાત બુટલેગરની ગેંગે આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે.