Western Times News

Gujarati News

દહેજના મીઠાંના અગરમાંથી માનવ હાથ મળી આવતા ચકચાર

અંકલેશ્વર,ત્યાર બાદ ઝઘડિયા અને વાલીયામાંથી મળી આવેલ માનવ કંકાલનો ભેદ હજુ ઉકેલાયો નથી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ચાર તાલુકા માંથી માનવ કંકાલ મળી આવ્યા હતા. જેમાં પ્રથમ અંકલેશ્વર,ત્યાર બાદ ઝઘડિયા અને વાલીયા માંથી મળી આવેલ માનવ કંકાલનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાર જ દહેજના મીઠાના અગર માંથી માનવ હાથ મળી આવતા ચકચાર મચી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત ૨૦ મી માર્ચના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામના શેરડીના ખેતર માંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યું હતું.જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલ નો કબ્જો મેળવી એફએસએલ અર્થે મોકલી મૃતકની ઓળખની કામગીરી કરી હતી. જેની હજુ સુધી ઓળખ થઈ છે કે કેમ તે ચર્ચાનો વિષય છે.

અંકલેશ્વરમાં માનવ કંકાલ મળી આવવાની ઘટનાની શાહી સુકાતી નથી ત્યાં જ ઝઘડિયાના કરાડ ગામના શેરડીના ખેતર માંથી ૨૨ માર્ચના રોજ સળગેલી અવસ્થામાં માનવ કંકાલ મળી આવ્યા હતા અને ખેતર માલિકે માનવ કંકાલ અંગે પોલીસને જાણ કરી હતી.ખેતરમાં સળગેલા માનવ કંકાલ કોના તેવા પ્રશ્નોને લઈ સમગ્ર ઘટનામાં પોલીસે માનવ કંકાલનો કબ્જો મેળવી એફએસએલ અર્થે મોકલી તપાસ શરૂ કરી હતી.

પોલીસ હજુ માનવ કંકાલ કોણ છે તે દિશામાં તપાસ કરી રહી હતી.ત્યાં તો ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના ક્રિષ્ના નગરની પાછળના ભાગે ગત તારીખ ૨૮ મી માર્ચના રોજ શેરડીના ખેતર માંથી અર્ધ સળગેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું અને તેમાં પણ પોલીસે માનવ કંકાલનો કબ્જો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જોકે હજુ સુધી ત્રણ માંથી એક પણ માનવ કંકાલની ઓળખ થઈ ન હતી અને પોલીસે હજુ તપાસ કરી રહી છે.

અંકલેશ્વર,ઝઘડિયા અને વાલિયા માંથી મળી આવેલ માનવ કંકાલની ઘટનામાં ભેદ ઉકેલાય તે પહેલા જ ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ ગત તારીખ ૮ એપ્રિલના રોજ દહેજમાં આવેલ માનીક સોલ્ટ માંથી માનવ અંગ મળી આવ્યા હતા જેની જાણ ત્યાં ફરજ બજાવતા ઈલેક્ટ્રિશિયન દીપક પરમાર દ્વારા દહેજ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો

અને તપાસ હાથધરી હતી.દહેજ પોલીસે હાલમાં મળેલા માનવ હાથની ઓળખ માટે હ્લજીન્ ની મદદ લઈ તપાસ શરૂ કરવા સાથે જ તેના વાલી વારસોની શોધખોળ પણ ચાલુ કરી છે.આ હાથ કોનો છે અને અહિયાં ક્યાંથી આવ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.ત્યારે આ કેસ નવી મર્ડર મિસ્ટ્રી તરફ દોરી જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

ભરૂચ જીલ્લાના ૪ સ્થળોએથી માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ માનવ કંકાલ મળી આવવાની ઘટનાઓના પગલે પોલીસે પણ સમગ્ર ઘટનામાં ઝીણવટ ભળી તપાસ શરૂ કરવાની કામગીરી કરી છે.માનવ કંકાલ મળી આવતા તેમની ઓળખ કરવી પણ ગંભીર બની ગઈ છે.પરંતુ જે સ્થળેથી માનવ કંકાલ મળી આવ્યા છે તેની આજુબાજુમાં કોઈ વ્યક્તિ ગુમ થયા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.