દહેજના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ

ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને ભરૂચ પોલીસ સતર્ક
(પ્રતિનિધિ) ભરૂચ, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે.જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ છે ખાસ કરીને ભરૂચના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જીલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.ભરૂચ જીલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહીત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે.ભરૂચ જીલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઈન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે.
સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે.દહેજ પોલીસ,મરીન પોલીસ,સાગર રક્ષ દળ,મરીન ટાસ્ક ફોર્સ સહિતની ટીમો દ્વારા અલગ અલગ પોઈન્ટ ખાતે પેટ્રોલિંગ હાથ ધરાય રહ્યું છે.દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ સાથે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.સોશ્યલ મીડિયા પર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરની જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.