જીવદયા પ્રેમીઓ દ્વારા કુતરા પકડવાની પદ્ધતિનો વિરોધ કરી કામગીરી અટકાવવા પ્રયાસ
જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર અપાતા દાહોદ પાલિકા દ્વારા રખડતા કુતરા પકડવાની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવાઈ
(પ્રતિનિધિ)દાહોદ, કેટકેટલી મૌખિક તેમજ લેખિત રજૂઆતો બાદ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં રખડતા કુતરા પકડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વેંત જ જીવદયાપ્રેમીઓએ કુતરા પકડવાની પ્રક્રિયાનો વિરોધ કરી આ મામલે કલેક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા નગરપાલિકા દ્વારા કુતરા/ભૂંડ પકડ્યા બાદ એબીસી રુલ્સ મુજબ વેટરનીતિ ડોક્ટર્સ તથા ડોગ વાનની વ્યવસ્થા કરવામાં આવે
ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાની જાણ કરતી એક નોટિસ રખડતા કુતરા તથા ભૂંડ પકડવા માટે જેઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તેને આપવામાં આવતા માત્ર એક જ દિવસમાં પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પકડ રખડતા કુતરા પકડવાની કામગીરી પર હાલ પૂરતી બ્રેક લાગી જતા નાગરજનો દ્વારા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેન્ટો કરવામાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે.
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોર, સાંઢ તેમજ કુતરાનો ત્રાસ ચરમસીમાએ પહોંચેલો જોવા મળી રહ્યો છે. શહેરના માર્ગો પર છાશવારે જોવા મળતા આખલા યુદ્ધને કારણે કેટલાયને ઇજાઓ થયાના તેમજ વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યાના અહેવાલો છે. રખડતા ઢોરોએ પણ કંઈ કેટલાયને અડફેટે ચડાવી હોસ્પિટલ ભેગા કર્યા છે. જ્યારે નગરમાં રખડતા કુતરાઓનો આતંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે.
થોડા દિવસ અગાઉ માત્ર એક જ દિવસમાં કૂતરું કરડ્યાની ૨૦ જેટલી ઘટનાઓ બનવા પામી હતી. આ મામલે દાહોદવાસીઓએ પાલિકાના જવાબદાર અધિકારી ને કેટ કેટલી વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી હતી અને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ કેટ કેટલીય વાર લોલીપોપ રુ હૈયા ધારણ આપવામાં આવી હતી. આમ કેટ કેટલી રજૂઆતો તેમજ હૈયાધારણ બાદ શહેરમાં રખડતા કુતરા
તેમજ ભૂંડ પકડવા માટે દાહોદ ગોદી રોડ સિંગલ ફળિયામાં રહેતા ત્રિલોકસિંહ જીવનસિંહ સીકલીગરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તે વર્ક ઓર્ડર મુજબ ગઇકાલથી દાહોદ શહેરમાં રખડતા કુતરા તેમજ ભૂંડ પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પદ્ધતિથી રખડતા કુતરા પકડવાની કામગીરી કરાઈ રહી હતી
તે જોતા જીવ દયા પ્રેમીઓ દ્વારા કુતરા પકડવાની આ પદ્ધતિનો વિરોધ કરી આ કામગીરી તાત્કાલિક અટકાવવા માટે જિલ્લા કલેકટર તેમજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આજરોજ આવેદનપત્ર આપવામાં આવતા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે રખડતા કુતરા પકડવા માટેનો કોન્ટ્રાક્ટ લેનારને કુતરા ભૂંડ પકડ્યા બાદ એબીસી રુલ્સ મુજબ વેટરનીટી ડોક્ટર્સ તથા ડોગ વાનની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવતા નગરજનો આશ્ચર્યમાં પડી ગયા છે. અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે.