રશિયા ખાતે યોજાયેલ વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દાહોદની દિકરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
(પ્રતિનિધિ) દેવગઢ બારિયા, હેતલ બારીઆ કુસ્તી રમતમાં વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ તારીખ ૧૭/૧૧/૨૦૨૩ થી ૨૦/૧૧/૨૦૨૩ દરમ્યાન મોસ્કો, રશિયા ખાતે યોજાઇ ગઇ. જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામની ૧૩ વર્ષની દીકરી હેતલબેન દિનેશભાઈ બારીઆએ સમગ્ર વિશ્વમાં ત્રીજાે નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કરેલ છે. bronze medal in the World Grappling Championship Russia
આ રમતોત્સવમાં ભાગ લેવા જતા પહેલા હેતલે ખુબ મુશ્કેલીઓનો સામનો કર્યો. ગુજરાતમાંથી કુલ ૧૩ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. તેમાંથી ૧૨ ખેલાડીઓના પાસપોર્ટ સમયસર તૈયાર થઈ ગયા અને તેઓ દિલ્લી ખાતે કેમ્પ ભરવા માટે હાજર પણ થઈ ગયા. બીજી બાજુ કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા પિતાજીને પાસપોર્ટ બાબતની ઓછી સમજના કારણે હેતલની ફાઈલ સગટાળા પોલીસ સ્ટેશનમાં પડી રહી.
હેતલે પોતાના ફળિયાના જાગૃત નાગરિક વિક્રમભાઈ ચૌહાણને વાત કરી. વિક્રમભાઈએ આ વાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દેવગઢ બારીઆના તાલુકા કાર્યવાહ વિનોદભાઈ પટેલને કરી વિનોદભાઈએ સમગ્ર ઘટનાક્રમ સાભલી અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર આદરણીય નિનામા જાેડે આ બાબતે ચર્ચા કરી. ઝાબ ગામના સરપંચ શ્રી જયેશભાઈ પટેલ, રેઢાણા ગામના સરપંચ શ્રી રતનસિંહભાઈ અને વિક્રમભાઈ આ ત્રણ મિત્રોએ સ્થાનિક લેવલે પાસપોર્ટ અને આર્થિક ગોઠવણી માટે દોડધામ કરી.
આમ ત્રણે લોકોએ ગાંધીનગર અધિકારીઓ સાથે સતત સમ્પર્કમાં રહ્યા અને પાંચ દિવસ પછી પાસપોર્ટ આવી ગયો હતો. દીકરીને અમદાવાદથી વિમાનમાં બેસાડી દિલ્લી કેમ્પમાં મોકલવામાં આવી. નાણાકીય ભંડોળ ગોઠવવામાં દીકરીના વાલીને ખુબ તકલીફ પડી. સગા સબંધીઓ પાસેથી ઉછીના લીધા. છેલ્લે ઘટતા નાણાં સરપંચ શ્રી જયેશભાઈએ આપ્યા….
ખુબ સંઘર્ષના અંતે દીકરીને મોકલવામાં અમે સફળ થયા અને આજે દીકરીએ સમગ્ર વિશ્વમાં ત્રીજાે નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કરેલ છે. આ દીકરી માટે જેમણે પણ યથાયોગ્ય મદદ કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે.ગામડામાં પડેલા આવા અણમોલ રત્નને ઉજાગર કરનાર અમારી સમસ્ત ટીમને નતમસ્તક વંદન કરું છું.