DAIICT ગાંધીનગર ખાતે યોજાઈ સુપર કમ્પ્યૂટર અંગેની ટ્રેનિંગ વર્કશોપ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત વર્કશોપમાં 26 ઇન્સ્ટિટ્યૂટ્સના 70થી વધારે ફેકલ્ટીઝ જોડાઈ
ત્રિ-દિવસીય ટ્રેનિંગ વર્કશોપમાં C-DAC, પૂનાના સહયોગથી હાઇ પરફોર્મન્સ કમ્પ્યૂટિંગ અને ડીપ લર્નિંગ સિસ્ટમ અંગે તાલીમ આપવામાં આવી, જેથી યુનિવર્સિટી કક્ષાએ ઉચ્ચ સ્તરીય રિસર્ચ અને ઇનોવેશન થઈ શકે
આધુનિક સમયમાં વિકાસનાં લક્ષ્યાંકો સર કરવા માટે સુપર કમ્પ્યૂટિંગ આવશ્યક બન્યું છે. શિક્ષણથી લઈને સંરક્ષણ ક્ષેત્ર સહિતનાં તમામ ક્ષેત્રોમાં સુપર કમ્પ્યૂટિંગ વિના ચાલી શકે નહીં. ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓથી લઈને અધ્યાપકો માટે સુપર કમ્પ્યૂટિંગની સુવિધા વિકસાવવાનું સાહસિક પગલું ભર્યું છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યની એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, સંશોધન સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં સુપર કમ્પ્યૂટિંગ સુવિધાઓ વિકસાવવા પ્રતિબદ્ધ છે. GUJCOST દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 26 એન્જિનિયરિંગ અને યુનિવર્સિટી વિભાગોમાં સુપર કમ્પ્યૂટર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.
આ સુપર કમ્પ્યૂટરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તથા યુનિવર્સિટી સ્તરે ઉચ્ચ સ્તરીય સંશોધનો તથા ઇનોવેશનમાં સુપર કમ્પ્યૂટિંગને કામે લગાડી શકાય, એવા ઉદ્દેશથી આ સંસ્થાઓના ફેકલ્ટીઝ માટે ગાંધીનગર સ્થિત DA-IICT ખાતે 26થી 28 મે, 2022ના દિવસોમાં ત્રિ-દિવસીય તાલીમી કાર્યશાળાનું આયોજન કરાયું.
આ ત્રિ-દિવસીય ટ્રેનિંગ વર્કશોપમાં 26 સંસ્થાઓની કુલ 70થી વધારે ફેકલ્ટીઝ અને સંશોધકો સહભાગી બન્યા. વર્કશોપમાં C-DAC, પૂનાના નિષ્ણાતો ડૉ. વામ્શી ક્રિષ્ના, ડૉ. હરિકેશ તુલસીરામ શિંદે અને ડૉ. જયશ્રી સંજય પવાર દ્વારા જુદાં જુદાં સેશન લેવામાં આવ્યાં તથા હાઇ પરફોર્મન્સ કમ્પ્યૂટિંગ તથા ડીપ લર્નિંગ સિસ્ટમ અંગે તાલીમ આપવામાં આવી.
વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી મેમ્બર્સ વગેરે સુપર કમ્પ્યૂટિંગ થકી ઉચ્ચ સ્તરીય સંશોધનો હાથ ધરી શકે તથા ઇનોવેશનને વેગ આપી શકે, એવા ઉદ્દેશથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકોસ્ટને આશા છે કે આવી તાલીમ થકી કૌશલ્યના વિકાસ સાથે આત્મનિર્ભર ભારત તરફ મજબૂત રીતે આગળ વધી શકાશે.