IT રિટર્ન ભરવાનો રોજનો આંક ૧૩ લાખને પારઃ 2.7 કરોડ કરદાતાઓએ રિટર્ન ભર્યાં
ગયા વર્ષે જુલાઈ સુધીમાં ૬.૯૧ કરોડ, માર્ચ સુધીમાં ૮.૬ર કરોડ રિટર્ન ભરાયાં હતાં
અમદાવાદ, આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે હાલમાં રોજેરોજ ભરાતા આઈટી રિટર્નનો આંક ૧૩ લાખને પાર થઈ ગયો છે અને અત્યાર સુધીમાં કુલ ર.૭ રિટર્ન કરદાતાઓ દ્વારા ભરવામાં આવ્યા છે એવી માહિતી આવકવેરા વિભાગે આપી છે.
ઈ ફાઈલિંગની વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી મુજબ ૧૪મી જુલાઈની સ્થિતિએ કુલ ર.૭ કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે જે પાછલા વર્ષના સમાન ગાળામાં ભરાયેલા રિટર્નની સંખ્યા કરતાં ૧૩ ટકા વધારે છે. ચાલુ વર્ષે ર૩મી જૂનના રોજ જ ભરાયેલા રિટર્નનો આંકડો એક કરોડને પાર ગયો હતો. જ્યારે આ આંકડો ૭ જુલાઈના રોજ ર કરોડને પાર ગયો હતો.
પાછલા વર્ષે ર૬ જૂને રિટર્નની સંખ્યા એક કરોડ અને ૧૧ જુલાઈએ બે કરોડને પાર ગઈ હતી. નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં ૩૧ જુલાઈ ર૦ર૩ સુધીમાં કુલ ૬.૯૧ કરોડ રિટર્ન ભરવામાં આવ્યા હતા અને માર્ચ ર૦ર૪ સુધીમાં આ આંકડો વધીને ૮.૬ર કરોડ પર પહોંચ્યો હતો. ઓડિટ ન કરાવવાનું હોય એવા વ્યક્તિગત કરદાતા તથા કંપનીઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.
આ તારીખ પછી રિટર્ન ભરાય તો કરદાતાને પ્રતિ માસ ૧ ટકાનું વ્યાજ ચૂકવવું પડે છે અને ઓછામાં ઓછું પંદર દિવસનું વ્યાજ ચૂકવવું પડે છે. આ ઉપરાંત આવક રૂ.પ લાખથી ઓછી હોય તો રૂ.૧૦૦૦ અને વધુ હોય તો રૂ.પ૦૦૦ની લેટ ફાઈલિંગ ફી પણ ભરવી પડે છે.