5.88 કરોડનો ખર્ચે ડાકોરના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું

સ્ટેશન પર ધાત્રી મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને બાળકો માટે ઘોડિયાની સુવિધા પણ છે.
PM મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ડાકોર રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યુ-રેલવે મુસાફરોને માલિકી ભાવ સાથે રેલવે સુવિધાઓની જાળવણી કરવા અપીલ કરતા વડાપ્રધાન
(પ્રતિનિધિ) નડિયાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૧૦૩ પુનઃ વિકસિત રેલવે સ્ટેશન તથા અન્ય પ્રકલ્પોના ઉદ્ઘાટન અન્વયે ખેડા જિલ્લાના ડાકોર રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યુ. આ સ્ટેશનના નવનિર્માણ પાછળ રૂ. ૫.૮૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લામાં સ્થિત અને રણછોડરાયજી મંદિરની નજીક હોવાના કારણે જાણીતું, ડાકોર રેલ્વે સ્ટેશન તેના વારસાને જાળવી રાખે છે અને આણંદ-ગોધરા લાઈન પર એક મહત્વપૂર્ણ સ્ટેશન તરીકે કાર્ય કરે છે.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેલ્વે સુવિધાનો ઉપયોગ કરનાર લોકોને પોતે એક માલિક તરીકેના ભાવ સાથે રેલવે સુવિધાઓ અને સેવાઓની જાળવણી કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેન દ્વારા દેશને નવી ગતિ અને પ્રગતિ મળશે.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત કરવામાં આવેલ રેલ્વે સ્ટેશન વિકાસ અને વિરાસતના સંગમના ભવ્ય નઝારાને પ્રદર્શિત કરે છે. રણછોડરાયજી પ્રેરિત ડાકોર રેલવે સ્ટેશન ભક્તિ અને સેવા જેવા ઉત્કૃષ્ટ જીવન મૂલ્યોની જાળવણી કરવા પ્રેરણા આપશે. વધુમાં, નવા રેલવે સ્ટેશન દ્વારા રોજગાર અને પ્રવાસન ઉદ્યોગને ગતિ મળશે.
ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્ર પરમાર જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓૂથી સજ્જ ડાકોર રેલવે સ્ટેશન દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનની વધુ અસરકારક સેવાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે ઉપસ્થિત રેલવે અધિકારીઓને તેમણે ડાકોર રુટ પર નવી રેલવે ટ્રેન શરૂ કરવાની માંગણીમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. તથા ડાકોર વાસીઓને આ નવા રેલ્વે સ્ટેશનની સુવિધાઓને જાળવવા માટે અપીલ કરી હતી.
રેલવે ડીસીએમ વડોદરા નરેન્દ્ર કુમારે પ્રાસંગિક ઉદબોદન આપતા જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના કુલ ૧૮ અને વડોદરાના ૦૫ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. બ્યુટીફિકેશન કનેક્ટિવિટી અને ગ્રીનરી સહિતના માપદંડો આધારિત નવનિર્મિત રેલ્વે સ્ટેશનોમાં દિવ્યાંગો, સગર્ભા માતાઓ અને બાળકો વગેરે માટે સવિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
નોંધનીય છે કે નવા ડાકોર રેલવે સ્ટેશનમાં સિંગલ લાઈનને બદલે ડબલ લાઈન બનાવવામાં આવી છે. મુસાફરો માટે ત્રણ અલગ વેઈટિંગ રૂમ બનાવવામાં આવ્યા છે – પુરુષો માટે, મહિલાઓ માટે અને બન્ને માટે સામાન્ય. દરેક રૂમમાં પૂરતા પંખા અને હવાઉજાસની વ્યવસ્થા છે. સ્ટેશનની મુખ્ય વિશેષતા તેની ભક્ત બોડાણાની થીમ છે. સ્ટેશન પર રાજાધિરાજ ગાડુ હાંકતા અને ભક્ત બોડાણા તુલસીના છોડ સાથે બેઠેલાની પ્રતિમા મૂકવામાં આવી છે. આખા સ્ટેશન પર કૃષ્ણ-રાધાના ભીંતચિત્રો અને ભગવદ્ ગીતાના શ્લોક લખવામાં આવ્યા છે.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં, સ્પર્શ ચેકર ટાઈલ્સ, રેમ્પ (ઢાળિયા), ઓછી ઊંચાઈવાળા પાણીના નળ અને ખાસ ર્પાકિંગ સ્લોટ જેવી સુવિધાઓ દ્વારા દિવ્યાંગ જનો સરળતાથી રેલવે મુસાફરીનો આનંદ લઈ શકશે. સ્ટેશન પર ધાત્રી મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને બાળકો માટે ઘોડિયાની સુવિધા પણ છે.
૧૪૦૦ સ્ક્વેર મીટરમાં વિશાળ ર્પાકિંગ બનાવવામાં આવ્યું છે જ્યાં ૧૨૬ વાહનો (કાર, બસ, બાઈક) પાર્ક કરી શકાય છે. પ્લેટફોર્મ્સ વચ્ચે આવવા-જવા માટે ૬ મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. સારી લાઈટિંગ અને મુસાફરી માહિતી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
આ રીતે, પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ કરીને ડાકોર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે, જેનાથી મુસાફરો અને યાત્રાળુઓમાં ખુશીની લહેર છવાઈ છે.કાર્યક્રમ અન્વયે વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના નૃત્યોની સુંદર રજૂઆત કરી ઉપસ્થિત લોકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડાકોરના વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, રેલવે ડીસીએમ વડોદરા નરેન્દ્રકુમાર, ઠાસરા પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન ડાભી, ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિંદુ ભગત, ડાકોર રેલવે સ્ટેશન માસ્ટર અશોકકુમાર સિન્હા,નિવૃત સૈનિકો, શાળાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, પ્રબુદ્ધ શહેરીજનો અને રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.