Western Times News

Gujarati News

બે નર ચિત્તાઓ સાથે મેટિંગ હિંસક બનતાં દક્ષાએ ગુમાવ્યો જીવ

ભોપાલ, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર સાઉથ આફ્રિકાથી ભારત લવાયેલા ૮ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કર્યા હતા. ૭૦ વર્ષ પછી ભારતમાં ફરીથી ચિત્તા દોડતા જાેવા મળ્યા હતા. પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લવાયેલા ચિત્તામાંથી વધુ એકનું મોત થયું છે.

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા કુનો નેશનલ પાર્ક મંગળવારે માદા ચિત્તા દક્ષાનું મોત થયું છે. બે નર ચિત્તા સાથે મેટિંગ દરમિયાન તેનું મોત થયું હતું. છેલ્લા દોઢ મહિનામાં ત્રીજા ચિત્તાનું મોત થયું છે. ચિત્તા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે, વ્હાઈટ વોકર તરીકે ઓળખતા વાયુ અને અગ્નિ નામના બે નર ચિત્તાની માદા ચિત્તા દક્ષા સાથે લડાઈ થઈ હતી. નર ચિત્તાઓ સાથેનો મેટિંગનો પ્રયાસ હિંસામાં પરિણમ્યો અને દક્ષાએ જીવ ગુમાવ્યો.

આ ઘટના મંગળવારે સવારે બની હતી. કુનો ખાતે ચિત્તાને મોનિટર કરતી ટીમને સવારે ૧૦.૪૫ કલાકની આસપાસ દક્ષા ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં પશુચિકિત્સકોએ તેને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ બે કલાક બાદ તેનું મૃત્યુ થયું હતું.

સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, દક્ષાના ઘા જાેતાં લાગે છે કે મેટિંગના પ્રયાસ દરમિયાન તે ઘાયલ થઈ હશે. એકથી વધુ ચિત્તાઓ માદા ચિત્તા સાથે મેટિંગ કરે એ વખતે આ પ્રકારનું વર્તન સામાન્ય છે. આ દરમિયાન મોનિટરિંગ ટીમ માટે પણ વસ્તુતઃ વચ્ચે પડવું શક્ય નથી, તેમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, દક્ષાને એક નંબરના એન્ક્‌લોઝરમાં રાખવામાં આવી હતી. તાજેતરમાં જ યોજાયેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં અગ્નિ અને વાયુને માદા ચિત્તા સાથે રાખવાનો ર્નિણય લેવાયો હતો. નર અને માદા ચિત્તાના એન્ક્‌લોઝરો વચ્ચેની જાળી દૂર કરવામાં આવી હતી અને તેઓ એકસાથે રહેવા લાગ્યા હતા.

જણાવી દઈએ કે, પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં આઠ ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી ૨૦૨૩માં બીજા ૧૨ ચિત્તા સાઉથ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા.

કુલ ૨૦ ચિત્તામાંથી ત્રણ ચિત્તાના મોત થતાં હવે ૧૭ ચિત્તા રહ્યા છે. ૨૭ માર્ચના રોજ કિડની ઈન્ફેક્શનના કારણે માદા ચિત્તા શાશાનું મોત થયું હતું. જે બાદ ૨૩ એપ્રિલના રોજ બીજા છ વર્ષીય નર ચિત્તા ઉદયનું મોત થયું હતું. તેને ક્વોરન્ટીન એન્ક્‌લોઝરમાંથી બહાર ખુલ્લી જગ્યામાં છોડવામાં આવ્યાના અઠવાડિયામાં જ માંદગીના લીધે મોત થયું હતું. હવે ૯ મેના રોજ દક્ષાનું મોત થતાં કુલ ૩ ચિત્તાઓએ ૪૩ દિવસના ગાળામાં જ જીવ ગુમાવ્યો છે.

પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમે હાલમાં જ કુનોની મુલાકાત લીધી હતી અને હવે આગળ કઈ રીતે વધવું તે સંદર્ભે વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. ચિત્તા ભારતમાં પહેલા જ્યાં રહેતા હતા ત્યાં જ તેમનું પુર્નવસન કરાવવાનો આ પ્રોજેક્ટનો હેતુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.