વિદ્યાર્થીને ઢોર માર મારી હત્યાના વિરોધમાં આમોદમાં દલિત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજસ્થાનમાં એક જાતિવાદી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીએ માટલાનું પાણી પી લેતાં શિક્ષકે નવ વર્ષના ઈન્દ્રકુમાર મેઘવાળ નામના માસૂમ બાળકને ઢોર માર મારી સખત ઈજાઓ પહોંચાડી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જેથી ભારતભરમાં દલિત વર્ગમાં જાતિવાદી માનસિકતા ધરાવતા શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો છે.ત્યારે આમોદના દલિત અને આદિવાસી આગેવાનોએ સૌ પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા બાદ સૂત્રોચ્ચાર કરી દલિત વિદ્યાર્થીના પરિવારને ન્યાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી શિક્ષક સામે રોષ વ્યકત કર્યો હતો
અને હત્યારા શિક્ષકને ફાંસીની સજા તેમજ મૃતકના પરિવારને પચાસ લાખ આપવાની માંગણી કરી હતી.આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મહેન્દ્રભાઈ વસાવા,જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી કમલેશ મકવાણા,શહેર ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી,મોરચાના મહામંત્રી વિરલ ચાવડા તાલુકા મહામંત્રી અરવિંદ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.